LOC પર ફાયરિંગ: ત્રણ જવાન શહીદ

01 October, 2020 06:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

LOC પર ફાયરિંગ: ત્રણ જવાન શહીદ

સતત 12 કલાક સુધી ફાયરિંગ ચાલ્યું

કાલ રાતથી આજે સવાર સુધીના 12 કલાકના સમયગાળામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામના ઉલ્લંઘનમાં LOC નજીક ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા છે. આ હુમલામાં પાંચ જવાન ઘાયલ થયા છે. જો ભારતીય સૈનિકોએ પાકિસ્તાનની આ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપ્યો છે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલી આર્મી ચોકી પર સતત ફાયરીંગ કરી હતી અને તેમને નિશાન બનાવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના પુંછ જીલ્લાના લાઈન ઓફ કંટ્રોલના નૌગામ સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ ભારે ગોળીબાર કર્યો હતો. સતત 12 કલાક સુધી ફાયરિંગ ચાલ્યુ હતું.  સેનાના પ્રવક્તાએ જણાવ્યું છે કે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી અચાનક છોડાયેલા મોર્ટારમાં બે જવાન શહિદ થયા હતા અને ચાર ઘાયલ થયા હતા. પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઘાયલ જવાનને સલામત આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. ભારતીય સેનાની જવાબી કાર્યવાહી અને બદલામાં પાકિસ્તાની સેનાના કેટલા લોકોના જીવ ગયા, તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ પહેલા પાકિસ્તાનની સેનાએ પૂંછ સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરીને ભારતીય ચોકીઓ ઉપર ભારે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં એક જવાન શહિદ થયો હતો જયારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો.

ફાયરિંગમાં એક લાંસ નાયક કરનૈલ સિંહ શહીદ થયા છે.

છેલ્લા 8 મહિનામાં પાકિસ્તાન 3000 વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે જે 17 વર્ષમાં સૌથી વધુ છે. 2003માં ભારત અને પાકિસ્તાને LOC કરાર કર્યો હતો.

pakistan line of control indian army jammu and kashmir