જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં વિક્રમજનક ૭૦% વોટિંગ

26 November, 2014 05:59 AM IST  | 

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં વિક્રમજનક ૭૦% વોટિંગ




ચૂંટણીનો બહિષ્કાર કરવાના અલગતાવાદીઓના એલાનને ફગાવી દઈને તથા કડકડતી ટાઢનો સામનો કરીને જમ્મુ અને કાશ્મીરમાં ગઈ કાલે મોટી સંખ્યામાં લોકો વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન કરવા બહાર આવ્યા હતા. ૧૫ મતવિસ્તારોમાં હિંસાની એકેય ઘટના વિના ૭૦ ટકાથી વધારે મતદાન થયું હતું.

આ વિશે માહિતી આપતાં ચૂંટણીપંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે સાત જિલ્લામાં ફેલાયેલી બેઠકો માટે થયેલા મતદાનની ફાઇનલ ટકાવારીના આંકડામાં એક-બે ટકાનો વધારો-ઘટાડો થઈ શકે છે. ૨૦૦૮ની વિધાનસભાની ચૂંટણીમાં અહીં કુલ ૬૧ ટકા મતદાન થયું હતું.

કાશ્મીર ખીણમાંની ગાંદરબલ જિલ્લામાંની બે બેઠકો માટે ૬૮ ટકા અને બાંદીપુરા જિલ્લાની ત્રણ બેઠકો માટે ૭૦.૩૦ ટકા મતદાન થયું હતું. જમ્મુ ડિવિઝનની છ બેઠકો પૈકીની ડોડા જિલ્લાની બે બેઠકો માટે ૭૬ ટકા અને કિશ્તવાડ તથા રામબનની ચાર બેઠકો માટે ૭૦ ટકા મતદાન થયું હતું. લદ્દાખ વિસ્તારની ચાર બેઠકો પૈકીની લેહ જિલ્લાની બે બેઠકો માટે ૫૭ ટકા, જ્યારે કારગિલ જિલ્લામાં ૫૯ ટકા મતદાન થયું હતું.

ઝારખંડ વિધાનસભાની કુલ ૮૧ પૈકીની ૧૩ બેઠકો માટે ગઈ કાલે કુલ ૬૧.૯૨ ટકા મતદાન થયું હતું. હિંસાની અને ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન્સને નુકસાન પહોંચાડવાની છૂટીછવાઈ ઘટનાઓ બની હતી, પણ માઓવાદગ્રસ્ત જિલ્લાઓમાં મોટા ભાગે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. બીજા તબક્કામાં ૨૦ બેઠકો માટે બીજી ડિસેમ્બરે મતદાન યોજાશે.