જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અપાશે: અમિત શાહ

14 February, 2021 02:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જમ્મુ-કાશ્મીરને યોગ્ય સમયે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અપાશે: અમિત શાહ

સંસદના બજેટ-સેશન દરમ્યાન ગૃહપ્રધાન અમિત શાહ (તસવીર: પી.ટી.આઇ.)

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે લોકસભામાં જણાવ્યું હતું કે ‘જમ્મુ-કાશ્મીર પર પેઢીઓથી રાજ કરતા લોકોની સરખામણીમાં છેલ્લાં બે વર્ષમાં એ રાજ્ય માટે કેન્દ્ર સરકારે ઘણું કર્યું છે. વર્ષ ૨૦૧૯માં બંધારણની કલમો ૩૭૦ અને ૩૫-એ હટાવીને તેનો દરજ્જો બદલ્યા પછી કેન્દ્ર સરકારે યોજનાઓ, જોગવાઈઓ, સહાય અને ફાળવણીઓના રૂપમાં કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર અને ત્યાંની જનતાના વિકાસ માટે ઘણાં કાર્યો કર્યાં છે. યોગ્ય સમયે તેને રાજ્યનો દરજ્જો પણ આપવામાં આવશે.’

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારા) ખરડા પરની ચર્ચાનો ઉત્તર આપતાં ગૃહપ્રધાને આ પ્રસ્તાવિત ખરડા દ્વારા જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો મળવાની આશા પર પાણી ફરી વળશે એવો પ્રચાર કરતા વિપક્ષી સંસદસભ્યો પર આકરા પ્રહાર કર્યા હતા. ઓલ ઇન્ડિયા સર્વિસિસ ઑફિસર્સની જમ્મુ-કાશ્મીર કૅડરને અરુણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમ યુનિયન ટેરિટરી  કૅડરમાં ભેળવી દેવા માટેના એ ખરડાને લોકસભામાં ‘વૉઇસ વોટ’થી બહાલી આપવામાં આવી હતી.

અમિત શાહે જણાવ્યું હતું કે ‘આ ખરડાને જમ્મુ-કાશ્મીરના રાજ્ય તરીકેના દરજ્જા જોડે કોઈ સંબંધ નથી. આ ખરડાને પગલે એ પ્રદેશના નાગરિકોએ તેમની જમીન ગુમાવવી નહીં પડે. વિકાસકાર્યો માટે સરકાર પાસે પૂરતા પ્રમાણમાં જમીન-ભૂખંડો છે. હવે રાજાઓ અને રાણીઓના પરિવારોમાં જન્મેલી વ્યક્તિઓ કે વારસાગત શાસકો નહીં, જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જમ્મુ-કાશ્મીરમાં શાસન ચલાવશે.’

national news amit shah new delhi jammu and kashmir