કાશ્મીરમાં ફરીથી આતંકવાદી હુમલાની અલર્ટ, લશ્કર-એ-તય્યબાના નિશાન પર ટૂરિસ્ટ-સ્પૉટ

28 April, 2025 12:19 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

લશ્કર-એ-તય્યબાનું એક ખતરનાક મૉડ્યુલ કાશ્મીરમાં હુમલો કરે એવી આશંકા છે. ટૂરિસ્ટ-પ્લેસ નિશાન પર છે. સુરક્ષા એજન્સીઓને હાઈ અલર્ટ પર રાખવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

પહલગામમાં આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકવાદનો ખતરો વધી ગયો છે. ગુપ્તચર એજન્સીઓએ મોટા આતંકવાદી હુમલાની ચેતવણી જાહેર કરી છે. લશ્કર-એ-તય્યબાનું એક ખતરનાક મૉડ્યુલ કાશ્મીરમાં હુમલો કરે એવી આશંકા છે. ટૂરિસ્ટ-પ્લેસ નિશાન પર છે. સુરક્ષા એજન્સીઓને હાઈ અલર્ટ પર રાખવામાં આવી છે.

આતંકવાદીઓ ટાર્ગેટ કિલિંગ સાથે મોટો આતંકવાદી હુમલો કરી શકે એવી આશંકા છે. સાઉથ કાશ્મીર આતંકવાદીઓના નિશાન પર છે. તમામ ટૂરિસ્ટ-પ્લેસની સુરક્ષા વધારવા માટે કહેવામાં આવ્યું છે. ફરી આતંકવાદી ઘટનાને રોકવા માટે આર્મી અને સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યાં છે. આતંકવાદીઓ આગામી દિવસોમાં કાશ્મીરી પંડિતોના સભ્યો, સુરક્ષા કર્મચારીઓ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં સંકળાયેલા લોકોને નિશાન બનાવી શકે એવી ઇનપુટ મળી છે. સરકારી હૉસ્પિટલોને ઍડ્વાઇઝરી જાહેર કરવામાં આવી છે અને એમને કોઈ પણ કટોકટીભરી સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

કાશ્મીરમાં આતંકવાદીઓએ સામાન્ય નાગરિકની ગોળી મારીને કરી હત્યા

પહલગામ હુમલા બાદ સેના દ્વારા આતંકવાદવિરોધી અભિયાનો ચલાવવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા શનિવારે મોડી રાતે ૪૫ વર્ષના ગુલામ રસૂલ માગરેન નામના સામાન્ય નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એનો ભાઈ થોડાં વર્ષો પહેલાં પાકિસ્તાન ગયો હતો અને આતંકવાદી સંગઠન લશ્કરમાં સામેલ થઈ ગયો હતો. હુમલા બાદ સંયુક્ત સુરક્ષા દળોએ હુમલાખોરોને શોધવા માટે મોટા પાયે શોધખોળ-અભિયાન શરૂ કર્યું હતું. જમ્મુ અને કાશ્મીર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. જોકે હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ નથી.

આતંકવાદીઓનાં ઘર નૉનસ્ટૉપ ધ્વસ્ત થઈ રહ્યાં છે

 પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસમાં ૫૦૦ સ્થળે રેઇડ પાડીને આતંકવાદીઓના અડ્ડા શોધવામાં આવ્યા હતા. બાંદીપોરા, પુલવામા અને શોપિયાં જિલ્લામાંથી ત્રણ આતંકવાદીઓનાં ઘર ધરાશાયી કરી દેવાયાં હતાં. બાંદીપોરામાં લશ્કર-એ-તય્યબાના જમીલ અહમદ શેરગોજરીનું ઘર તોડી પાડ્યું હતું. જમીલ અહમદ આતંકી ગતિવિધિઓ સાથે સંકળાયેલો હતો.

jammu and kashmir kashmir Pahalgam Terror Attack terror attack srinagar travel travel news news national news