જમ્મુ-કાશ્મીરમાં ચાર આતંકવાદીઓ ઠાર મરાયા

20 June, 2022 08:27 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

આ આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઇનપુટ્સ મળતાં પોલીસે તેમને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં સ્પેશ્યલ ચેકપૉઇન્ટ ઊભા કર્યા હતા

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને કુલગામ જિલ્લામાં ગઈ કાલે સુરક્ષા દળો સાથેની બે અલગ-અલગ અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતા. કુપવાડામાં બે આતંકવાદીઓ મરાયા હતા, જ્યારે કુલગામમાં પણ એટલી જ સંખ્યામાં ટેરરિસ્ટ્સનો ખાતમો બોલાવાયો હતો. જોકે આ બન્ને એરિયામાં વધુ આતંકવાદીઓ છુપાયા હોવાના કારણે ગઈ કાલે રાત સુધી ઑપરેશન ચાલી રહ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આતંકવાદી શોવકેત અહમદ શેખ પાસેથી પૂછપરછ દરમ્યાન મળેલી માહિતીના આધારે કુપવાડાથી નવ કિલોમીટરના અંતરે આવેલા લોલબ એરિયામાં સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવતાં આ એન્કાઉન્ટર થયું હતું.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે સાઉથ કાશ્મીરના કુલગામના દમહલ હાંજી પોરા એરિયામાં બીજું એન્કાઉન્ટર થયું હતું, જેમાં ઠાર મરાયેલો એક આતંકવાદી લશ્કર-એ-તય્યબાનો જ્યારે બીજો આતંકવાદી જૈશ-એ-મોહમ્મદનો છે. દરમ્યાનમાં પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે, કુપવાડામાં અલ-બદ્ર આતંકવાદી સંગઠનના ત્રણ આતંકવાદીઓની સુરક્ષા દળોએ ધરપકડ કરી છે.

આ આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઇનપુટ્સ મળતાં પોલીસે તેમને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં સ્પેશ્યલ ચેકપૉઇન્ટ ઊભા કર્યા હતા. આ ત્રણેયની નઝિમ અહમદ ભટ, સિરાજ દિન ખાન અને આદિલ ગુલ તરીકે ઓળખ કરવામાં આવી છે.

national news