કાશ્મીરમાં ટેરરિસ્ટોએ પાંચ પોલીસ અને બે બૅન્ક-ઑફિસરોને પૉઇન્ટ બ્લૅન્કથી શૂટ કર્યા

02 May, 2017 07:32 AM IST  | 

કાશ્મીરમાં ટેરરિસ્ટોએ પાંચ પોલીસ અને બે બૅન્ક-ઑફિસરોને પૉઇન્ટ બ્લૅન્કથી શૂટ કર્યા



કાશ્મીરમાં ગઈ કાલે કુલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાંચ પોલીસ-કર્મચારીઓ અને જમ્મુ-કાશ્મીર બૅન્કના બે અધિકારીઓએ જીવ ગુમાવ્યા હતા. આતંકવાદીઓએ બૅન્કની રોકડા ભરેલી વૅનમાં બેઠેલા પાંચે પોલીસવાળા અને બે અધિકારીઓને બહાર ખેંચી કાઢી પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી અટૅક કર્યો હતો. આતંકવાદીઓએ બૅન્કની કેશ-વૅનમાંથી ૫૦ લાખ રૂપિયા રોકડા અને પોલીસનાં હથિયારો પણ લૂંટી લીધાં હતાં.

આ હુમલાની જવાબદારી હિઝબુલ મુજાહિદીને સ્વીકારી છે. એના એક પ્રવક્તાએ કહ્યું હતું કે અમે પોલીસનાં ચાર શસ્ત્રો પણ લૂંટ્યાં છે.

બપોરના સમયમાં હથિયારોથી સજ્જ ટેરરિસ્ટોના એક જૂથે આ વૅનને અટકાવી હતી અને એને નર્જિન સ્થળે લઈ ગયા હતા. વૅનમાં બેઠેલા પોલીસવાળા અને બૅન્ક-અધિકારીઓને બહાર ખેંચી કાઢી બધાને ઠાર માર્યા હતા.

આ અગાઉ રવિવારે શ્રીનગરના ખાન્યાર પોલીસ-સ્ટેશનમાં અમુક હુમલાખોરોેએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર પોલીસ-કર્મચારીઓ ઘાયલ થયા હતા અને એક નાગરિકનું મૃત્યુ થયું હતું. પોલીસ-સ્ટેશન પર હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.