બ્લૅક મની ધારકોની પૂર્ણ યાદી સરકાર આજે જાહેર કરશે

29 October, 2014 03:48 AM IST  | 

બ્લૅક મની ધારકોની પૂર્ણ યાદી સરકાર આજે જાહેર કરશે




કાળાં નાણાંના મુદ્દે સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી એ પછી કેન્દ્ર સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે બ્લૅક મની ખાતાધારકોની સંપૂર્ણ યાદી અદાલતને આજે બંધ કવરમાં સોંપવામાં આવશે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કાળું નાણું પાછું લાવવાનું કામ અમે સરકારના ભરોસે ન છોડી શકીએ.

નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ‘કાળાં નાણાંના મુદ્દે સરકાર ગંભીર છે અને વિદેશી બૅન્કોમાં જેમણે કાળું નાણું સંઘર્યું છે એવા લોકોનાં નામની સંપૂર્ણ યાદી અદાલતને સુપરત કરવામાં સરકારને કોઈ વાંધો નથી. અદાલત કોઈ એજન્સી મારફતે એની તપાસ કરાવવા ઇચ્છતી હોય તો એ માટે પણ સરકાર તૈયાર છે.’

આ પહેલાં સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે સરકારે કાળાં નાણાંના તમામ ખાતેદારોનાં નામ આપવાં જોઈએ અને આ કામ બુધવાર સુધીમાં થઈ જવું જોઈએ. ફ્રાન્સ અને જર્મની પાસેથી મળેલાં નામો પણ સરકારે બુધવારે જ કોર્ટને આપવાનાં રહેશે.

સરકારના વલણ સામે જોરદાર વાંધો લેતાં અદાલતે જણાવ્યું હતું કે સરકારે એ નામો ખાસ તપાસ ટુકડીને સોંપવાનાં રહેશે. એ પૈકીના કયા ખાતાધારકોની તપાસ કરાવવી એનો ફેંસલો કોર્ટ એ પછી કરશે.

૨૦૧૧ના અદાલતના આદેશમાં સુધારો કરવાની સરકારની અપીલને ફગાવી દેતાં કોર્ટે જણાવ્યું હતું કે અમે અમારા આદેશમાં સુધારા નથી કરતા. સરકારે બધાં નામો અમને જણાવવાં જ પડશે. કાળાં નાણાંના તમામ ખાતેદારોનાં નામ જાહેર કરવાથી સંબંધિત દેશો સાથેના કરાર તૂટી શકે છે એવી સરકારની દલીલને પણ કોર્ટે ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે પહેલાં નામો જાહેર કરો, કરારોનું પછીથી જોયું જશે.

સરકારે અગાઉ જણાવ્યું હતું કે કુલ ૧૩૬ ખાતેદારોનાં નામ સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવશે, પણ વાસ્તવમાં સરકારે ત્રણ નામ જ અદાલતને જણાવ્યાં હતાં. વિદેશી બૅન્કોમાં કાળું નાણું સંઘરનારા લોકોની યાદીમાં ૮૦૦થી વધુ નામ હોવાનું અનુમાન છે.

સ્વિટ્ઝરલૅન્ડમાં કરચોરી ગુનો નથી

અમારા દેશમાં કરચોરી ગુનો નથી એવું જણાવતાં સ્વિટ્ઝરલૅન્ડના વિદેશમંત્રાલયના એક અધિકારીએ સ્વિસ બૅન્કોમાં બિનહિસાબી નાણું ધરાવતા ભારતીયોનાં નામ જાહેર કરવા બાબતે શું કરી શકાય એ બાબતે ભારત સરકાર સાથે મતભેદ હોવાનું સ્વીકાર્યું હતું. નવી સરકારની રચના સાથે આ મતભેદો ઉકેલાઈ જવાની આશા અધિકારીએ વ્યક્ત કરી હતી.