જયપુર બિહારમાં કોરોના વાઇરસનાં દર્દી હોવાની શક્યતા

27 January, 2020 05:15 PM IST  |  Jaipur | Mumbai Desk

જયપુર બિહારમાં કોરોના વાઇરસનાં દર્દી હોવાની શક્યતા

જયપુરની એસેમએસ હોસ્પિટલમાં રવિવારે સાંજે પાંચ વાગ્યાથી દાખલ થયલે એક દર્દીને ભારે કફ, શરદી, તાવ અને રાઇનિસાઇટસ છે. સોમવારે મોડી સાંજે અથવા મંગળવારે સવારે નેશનલ વાઇરોલોજી લેબ પુનામાં મોકલાયેલા સેમ્પલનાં રિપોર્ટ સ્પષ્ટ થાય એમ છે. હાલમાં દર્દીને લક્ષણો અનુસાર સારવાર અપાઇ રહી છે તેમ એસએમએસ હોસ્પિટલનાં ઇન્ફેક્શિયસ ડિસીઝ હોસ્પિટલનાં ડૉ. પુષ્પેન્દ્ર બૈરવાએ કહ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે 19 વર્ષનો આ દર્દી ચીનમાં એમબીબીએસના બીજા વર્ષનો વિદ્યાર્થી છે. તે બાર જાન્યુઆરીએ જ આ રોગનાં લક્ષણો સાથે ભારત પહોંચ્યો હતો. કોઇ પણ જોખમ ન લેવા માગતા ડૉક્ટરોએ તેને આઇસોલેશન વોર્ડમાં જ દાખલ કર્યો અને તેના લક્ષણો અનસાર તેને સારવાર આપવાની શરૂઆત કરી દિધી. વિદ્યાર્થી જયપુરના સાંગાનેર વિસ્તારનો રહેવાસી છે.

ડૉક્ટરે કહ્યું કે વાઇરલ ફિવરમાં જેવા લક્ષણો હોય છે તેવા જ કફ, શરદી અને છેલ્લે ન્યુમોનિયાને કારણે તાવ કોરોનાવાઇરસમાં આવે છે. આ વાઇરસનો ઇન્ક્યુબેશન પિરિયડ 3-14 દિવસ હોય છે. રવિવારે સ્વાસ્થ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ કહ્યું કે ચીનથી પાછા ફરેલા 18 જણા રાજસ્થાનમાં છે અને માટે જ લાગતા વળગતા જિલ્લા પ્રમુખો અને મેડિકલ અધિકારીઓને સૂચના અપાઇ હતી કે તે સૌને 28 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખે.
તેમણે યુનિયન હેલ્થ મિનિસ્ટરને પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પર સ્ક્રિનિંગ ફેસિલિટી પુરી પાડવાની અપીલ કરી છે.

ચીનના વુહાન શહેરથી પ્રસરેલા કોરોના વાઇરસનો એક દર્દી પટણાના છપરા શહેરમાં પણ મળી આવ્યો છે. સ્વાસ્થ્ય સત્તાધિશોની ઉંઘ હરામ થઇ ગઇ છે. કોરોના વાઇરસની આ દર્દી ચીનથી જ આવી છે અને છપરા શહેરનાં મુફસ્સિલ થાના ક્ષેત્રનાં શાંતિનગરમાં રહેનારા પરિવારની 29 વર્ષની દીકરી છે. તે ચીનમાં ન્યુરો રિસર્ચ સેન્ટરમાં સાયન્ટિસ્ટ તરીકે કામ કરે છે અને પીએચડી કરી રહી છે. 22મી જાન્યુઆરીએ પાછી ફરેલી આ યવુતીને બીજી મોડી રાતથી તાવ આવ્યો અને હાલત ગંભીર થતા તેને છપરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. કેન્દ્ર સરકાર સુધી તરત સુચના પહોંચાડાઇ અને સર્જન ડૉ. માધેશ્વર ઝા તથા ડૉ. કે એમ દુબેએ સદર હોસ્પિટલ પહોંચીને ત્યાં હાજર ડૉ. શૈલેન્દ્ર કુમાર પાસેથી દર્દીની હાલત અંગે જાણ્યું. હાલમાં તેને વધારે સારી તપાસ અને સારવાર માટે પટણાની પીએમસીએચમાં રિફર કરવામાં આવી છે.

બિહારમાં કોરોના વાઇરસનો આ પહેલો મામલો છે જો કે સરકાર સતત આને લગતા ચેતાવણી સંદેશા આપી રહી છે. કોરોના વાઇરસને લગતા જરૂરી ટેસ્ટ જલ્દી જ કરવામાં આવશે જેથી યુવતીની સારવાર વધુ સચોટ રીતે કરી શકાય. અત્યારે આ યુવતી સ્પેશ્યલ વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે તથા તેની હાલત સ્થિર છે.
ગુજરાતનાં વડોદરાનો એક યુવક જે ચીનમાં કામ કરે છે અને ત્યાંની જ યુવતી સાથે લગ્ન કર્યા છે તે તેની વાર્ષિક મુલાકાતે વડોદરા આવ્યો ત્યારે એરપોર્ટ પર તેમની પુરેપુરી ચકાસણી કરવામાં આવી. સદનસીબે યુગલમાં કોઇ હાનિકારક લક્ષણો જોવા નથી મળ્યા પણ તેમણે ચીનની ગંભીર સ્થિતિ અંગે વર્ણન કરતા જણાવ્યું હતું કે ત્યાં માસ્ક વગર ફરવું અશક્ય થઇ ગયું છે.

 

china jaipur bihar