અશોક ગેહલોતના ભાઈ પર ઈડીએ પાડ્યા દરોડા

23 July, 2020 11:08 AM IST  |  Jaipur | Agencies

અશોક ગેહલોતના ભાઈ પર ઈડીએ પાડ્યા દરોડા

અશોક ગેહલોત

રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના નજીકના લોકો પર ગાળિયો કસાતો જઈ રહ્યો છે. ફર્ટિલાઇઝર કૌભાંડમાં ઈડીએ આજે અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. ઈડીના દરોડા સીએમ ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતને ત્યાં પણ ચાલી રહ્યા છે. ગત દિવસોમાં જ સીએમ અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના નામે ફર્ટિલાઇઝર કૌભાંડ સામે આવ્યું હતું. આરોપ છે કે અગ્રસેન ગેહલોતે ૨૦૦૭થી ૨૦૦૯ની વચ્ચે ખેડૂતો માટે લીધેલું ફર્ટિલાઇઝર પ્રાઇવેટ કંપનીઓને આપ્યું હતું. આ દરમ્યાન કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી અને રાજ્યમાં અશોક ગેહલોત મુખ્ય પ્રધાન હતા.

ઉલ્લેખનીય છે કે મ્યુરિએટ ઑફ પોટાશ નિકાસ માટે પ્રતિબંધિત છે. એમઓપીને ભારતીય પોટાશ લિમિટેડ દ્વારા આયાત કરવામાં આવે છે અને ખેડૂતોને છૂટા દર પર આપવામાં આવે છે. આરોપ છે કે ૨૦૦૭-૨૦૦૯ની વચ્ચે અગ્રસેન ગેહલોતે છૂટા દર પર એમઓપી ખરીદી અને ખેડૂતોને વિતરણ કરવાની જગ્યાએ તેમણે આ કંપનીઓને વેચી દીધું. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ૨૦૧૨-૧૩માં આનો ખુલાસો કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાનના તત્કાલીન મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના ભાઈની કંપનીએ કથિત રીતે સબસિડીવાળા ફર્ટિલાઇઝર નિકાસ કર્યા, જે ઘરેલુ ઉપયોગ માટે હતા.

બીજેપીએ કહ્યું હતું કે અગ્રસેન ગેહલોતની કંપનીએ દેશના ખેડૂતો માટે આયાત કરવામાં આવેલા ફર્ટિલાઇઝર, પોટાશને નિકાસ કર્યા હતા. કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે આ સબસિડીની ચોરીનો સ્પષ્ટ કેસ છે અને આ બધું ૨૦૦૭થી ૨૦૦૯ની વચ્ચે થયું જ્યારે કૉન્ગ્રેસના નેતૃત્વવાળી યુપીએ કેન્દ્રમાં સત્તા પર હતી. તે સમયે અશોક ગેહલોત રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન હતા. જે રીતે સસ્તા દર પર ફર્ટિલાઇઝર નિકાસ કરવામાં આવ્યું તેમાં શંકા
છે કે આ મની લૉન્ડરિંગનો કેસ હોઈ શકે છે.

રાજસ્થાનના સ્પીકર સુપ્રીમ કોર્ટમાં જશે

રાજસ્થાનનો રાજકીય જંગ હવે સુપ્રીમ કૉર્ટના દરવાજે પહોંચી ગયો છે. વિધાનસભા સ્પીકર સી. પી. જોશીનું કહેવું છે કે કોઈ ધારાસભ્યને નોટિસ આપવા અથવા તેને અયોગ્ય જાહેર કરવાનો અધિકાર વિધાનસભા અધ્યક્ષને હોય છે. જ્યાં સુધી હું કોઈ નિર્ણય નથી લેતો, અદાલત આ મામલે દખલ ના કરી શકે. આવામાં હાઈ કોર્ટના નિર્ણયને લઈને તેઓ સુપ્રીમ કૉર્ટમાં એસએલપી દાખલ કરશે. સી. પી. જોશીએ કહ્યું કે અત્યારે ફક્ત ધારાસભ્યોને નોટિસ આપવામાં આવી છે, કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.

Ashok Gehlot jaipur rajasthan national news