ઉત્તર પ્રદેશની સરકારે જૈનો સામે ઝૂકવું પડ્યું

28 August, 2012 03:05 AM IST  | 

ઉત્તર પ્રદેશની સરકારે જૈનો સામે ઝૂકવું પડ્યું

લખનઉમાં ૧૭ ઑગસ્ટે મહાવીર પાર્કમાં અમુક અસામાજિક તkવો દ્વારા ખંડિત કરવામાં આવેલી મહાવીરસ્વામીની મૂર્તિને ઉત્તર પ્રદેશ સરકાર ૨૧ લાખ રૂપિયાના ખર્ચે નવી બનાવી ફરીથી પ્રસ્થાપિત કરાશે. જો ઉત્તર પ્રદેશ સરકાર એની કાર્યવાહી એક અઠવાડિયામાં પૂરી નહીં કરે તો ત્યાર પછી જૈનો દેશભરમાં ઉગ્ર આંદોલન કરશે.

૧૭ ઑગસ્ટની ઘટના પછી દેશભરના જૈન સમાજોમાં ઉગ્ર રોષની લાગણી પ્રગટી હતી અને ઠેર-ઠેર રૅલી યોજવામાં આવી હતી. જોકે હવે ઉત્તર પ્રદેશ સરકારે મહાવીરસ્વામીની નવી મૂર્તિ બનાવીને અઠવાડિયામાં પ્રસ્થાપિત કરવાની ખાતરી આપી છે એ સમાચાર મળતાં જૈનોએ હાલમાં તેમનાં આંદોલનો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

જૈનોની આ માગણીના જવાબમાં ઉત્તર પ્રદેશ સરકાર તરફથી લખનઉના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અનુરાગ યાદવે ઘટનાસ્થળની મુલાકાત લઈને જાહેર કર્યું હતું કે ‘સરકાર તરફથી ૨૧ લાખ રૂપિયાના ખર્ચે મહાવીરસ્વામીની નવી મૂર્તિ બનાવી એક અઠવાડિયામાં એના મૂળ સ્થાન મહાવીર પાર્કમાં પ્રસ્થાપિત કરવામાં આવશે, જેના માટે સરકારના કલ્ચર ડિપાર્ટમેન્ટને સરકાર તરફથી આદેશ આપી દેવામાં આવ્યો છે. આ આદેશમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મહાવીરસ્વામીની મૂર્તિની સાથે ગુરુ ગૌતમની મૂર્તિને થયેલા નુકસાનને પણ સરકારી ખર્ચે રિપેર કરી આપવામાં આવશે.’

દેશભરના જૈનોમાં ઘેરા પ્રત્યાઘાત

મુલુંડ (વેસ્ટ)માં ચાતુર્માસ માટે બિરાજમાન આચાર્ય સાગરચંદ્રસાગરજી મ.સા.એ આ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૭ ઑગસ્ટની લખનઉની ઘટનાએ મુંબઈ અને ભારતભરના જૈનોમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા હતા. લખનઉમાં ઇન્ડિયન જૈન પ્રબોધિનીની અને દેશભરના જૈનોની એક જ માગણી હતી કે ઉત્તર પ્રદેશ સરકારે મહાવીરસ્વામીની ખંડિત થયેલી મૂર્તિ જેવી જ નવી મૂર્તિ બનાવી આપવી જોઈએ એટલું જ નહીં, જે અસામાજિક તત્વોએ આ ઘૃણાસ્પદ કાર્ય કર્યું છે તેમની વહેલામાં વહેલી ધરપકડ કરવી જોઈએ.’

આચાર્ય સાગરચંદ્રસાગરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘અમને વિશ્વાસ છે કે ઉત્તર પ્રદેશ સરકાર એના વચન પર કાયમ રહેશે અને જૈનોની લાગણી ફરીથી નહીં દુભાય એની તકેદારી રહેશે. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે કરેલી જાહેરાત પ્રમાણે જો અઠવાડિયામાં મહાવીરસ્વામીની નવી મૂર્તિ બનાવીને પ્રસ્થાપિત નહીં કરવામાં આવે તો જૈનો કોઈ પણ સંજોગોમાં શાંત નહીં બેસે.’