29 May, 2025 07:31 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
જૈનાચાર્ય પુંડરીક રત્ન સૂરીશ્વરજી મહારાજ
રાજસ્થાનના પાલી જિલ્લામાં ગઈ કાલે સવારે ૬.૩૦ વાગ્યે વિહાર દરમ્યાન એક ફુલ સ્પીડમાં આવેલી મિની-ટ્રકે ૭૦ વર્ષના જૈનાચાર્ય પુંડરીક રત્ન સૂરીશ્વરજી મહારાજસાહેબને ટક્કર મારીને ઉડાડી દેતાં જૈનાચાર્ય ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યા હતા. આ અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતાં ગુજરાત અને રાજસ્થાનના જૈન સમાજમાં હાહાકાર મચી ગયો હતો. આચાર્યશ્રી તેમના અન્ય સાધુઓ સાથે પાલી પાસે આવેલા માનપુરા ભાકરીમાં પહેલી જૂને યોજવામાં આવેલા એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. રાજસ્થાન જૈન સમાજ આ અકસ્માતમાં જૈનવિરોધી એક સંગઠન દ્વારા કરવામાં આવેલી એક સુનિયોજિત હત્યાની શંકા સેવી રહ્યો છે. આ બાબતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજસ્થાન સરકાર અને પોલીસ ઉચ્ચ અધિકારીઓને તપાસ કરવાની જોરદાર માગણી કરવામાં આવી છે.
પાલી જૈન સંઘના ટ્રસ્ટી દિલીપ મહેતાએ આ અકસ્માતની જાણકારી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈનાચાર્ય પુંડરીક રત્ન સૂરીશ્વરજી મહારાજસાહેબ ૧૮થી વધુ ભાષાના જાણકાર વિદ્વાન શ્રુતવર્ય પરમ પૂજ્ય મુનિરાજ જંબુવિજયજી મહારાજાના શિષ્ય હતા. ગઈ કાલે સવારે તેઓ તેમના સમુદાયના અન્ય ૧૦થી વધુ જૈન સાધુઓ સાથે જાડન ગામમાં આવેલી MITS કૉલેજથી પાલી તરફ પહેલી જૂનના એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તેઓ જાડન ટોલ-નાકા પાસે આવેલા વિરાટધામ તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે ટોલ-ગેટ પાસે એક મિની ટ્રકે આચાર્યને ટક્કર મારી હતી અને ડ્રાઇવર ટ્રક લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં જૈનાચાર્યને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જોકે પોલીસે મિની ટ્રકનો પીછો કરીને ડ્રાઇવરની ધરપકડ કરીને ટ્રકને કબજામાં લીધી હતી. અકસ્માત પછી ઘાયલ જૈન સાધુને તેમના અનુયાયીઓ નજીકની બાંગર હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમની તપાસ કરીને પુષ્ટિ આપી હતી કે માથામાં ગંભીર ઈજાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.’
સુનિયોજિત હત્યા?
આ અકસ્માતને નજરે જોનારા ગુરુ ભગવંતો આને એક સુનિયોજિત હત્યા તરીકે જોઈ રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે ‘આ મિની ટ્રકનો ડ્રાઇવર પાકા રસ્તા પરથી જઈ રહ્યો હતો, જ્યારે અમે બાજુના કાચા રસ્તા પર ચાલી રહ્યા હતા. ટ્રક-ડ્રાઇવર પાકા રસ્તા પરથી કાચા રસ્તા પર આવીને આચાર્ય મહારાજસાહેબને ટક્કર મારીને પાછો પાકા રસ્તા પર જતો રહ્યો હતો. આ એક કૂલ-માઇન્ડેડ મર્ડર હોવાની અમને શંકા છે જે કરવા માટે ડ્રાઇવરે તેનો રસ્તો બદલ્યો હતો. જે રીતે ઘટના બની એમાં ટ્રક પલટી થવી જોઈતી હતી એને બદલે ડ્રાઇવર સરળતાપૂર્વક ટ્રકને ભગાડીને લઈ ગયો હતો. આ એક સામાન્ય દુર્ઘટના નહીં પણ એક ગંભીર ષડ્યંત્ર છે. રાજસ્થાનમાં જૈન સાધુઓની રોડ-અકસ્માત કરીને હત્યા કરવાના બનાવો એક સામાન્ય ઘટના બની ગઈ છે. એની સામે જૈન સમાજ ઘણાં વર્ષોથી લડી રહ્યો છે. આ અકસ્માતની પણ તપાસ થાય એના માટે રાજસ્થાનના જૈન સમાજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજસ્થાનની સરકાર, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકરોને વિનંતી કરી છે.’
ડ્રાઇવરની ધરપકડ
પાલી પોલીસ-સ્ટેશનના એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રક-ડ્રાઇવર જૈનાચાર્યને ટક્કર મારીને બદહવાસ ટોલ-નાકાના ગેટને તોડીને ભાગી ગયો હતો. જોકે પોલીસે પીછો કરીને ઉત્તર પ્રદેશના અલીગઢના અંકિત જાટની ટ્રક-ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ જૈનવિરોધી સંગઠનનો હાથ હોય એવું લાગતું નથી. આમ છતાં અમે સાધુસંતોનાં બયાન લઈ રહ્યા છીએ.’
આજે અંતિમ સંસ્કાર
જૈનાચાર્ય પુંડરીક રત્ન સૂરીશ્વરજી મહારાજસાહેબે ૧૮ વર્ષ પહેલાં દીક્ષા લીધી હતી. તેઓ શ્રુત રક્ષા, પ્રાચીન જ્ઞાનભંડાર આદિ અનેક વિષયો પર સંશોધન અને ઉદ્ધારનાં કાર્યો કરી રહ્યા હતા. તેમના મૃતદેહને પાલીના વિવેકાનંદ સર્કલ પાસે આવેલા આત્મ વલ્લભ સમુદ્ર વિહારમાં દર્શન માટે રાખવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જૈનાચાર્યનાં અંતિમ દર્શન માટે પહોંચી ગયા હતા. ભૂતપૂર્વ વિધાનસભ્ય જ્ઞાનચંદ પારખ અને ભૂતપૂર્વ મ્યુનિસિપલ ચૅરમૅન મહેન્દ્ર બોહરા શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર એલ. એન. મંત્રી અને પોલીસ-અધિક્ષક ચૂનારામ જાટે પણ તેમનાં અંતિમ દર્શન કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. જૈનાચાર્યના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.