જયલલિથાના જામીન ફગાવાયાઃ જેલવાસ યથાવત

07 October, 2014 11:11 AM IST  | 

જયલલિથાના જામીન ફગાવાયાઃ જેલવાસ યથાવત




સ્પેશ્યલ કોર્ટે દોષી ઠરાવ્યાં એ પછી જયલલિતા ૨૭ સપ્ટેમ્બરથી જેલમાં છે. તેમને શરતી જામીન આપવા સામે સરકારને કોઈ વાંધો નથી એવી રજૂઆત ખાસ સરકારી વકીલ ભવાની સિંહે કરી એ પછી ન્યાયમૂર્તિ એ. વી. ચંદ્રશેખરે ઉપરોક્ત આદેશ આપ્યો હતો. જયલલિતાનાં ખાસ સખી શશિકલા અને તેમના સગા સુધાકરન તથા ઇલાવારસીની જામીન-અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી.

ખીચોખીચ ભરાયેલા કોર્ટરૂમમાં આપેલા આદેશમાં ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર માનવ-અધિકારના ઉલ્લંઘન સમાન છે અને એના કારણે આર્થિક અસંતુલન સર્જાય છે. જયલલિતાને જામીન પર મુક્ત કરવા માટે અદાલતને કોઈ નક્કર કારણ જણાતું નથી.

૬૬ વર્ષનાં જયલલિતા વતી ઉપસ્થિત થયેલા સિનિયર વકીલ રામ જેઠમલાણીનો સંપર્ક કોર્ટના આદેશ બાબતનો પ્રતિભાવ જાણવા માટે કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે પ્રસ્તુત આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવો કે કેમ એનો ફેંસલો મારા અસીલ કરશે.

સરકારી વકીલની પ્રારંભિક દલીલ બાદ જયલલિતાને જામીન પર મુક્ત કરવાની મંજૂરી મળ્યાની અફવા ફેલાઈ હતી. એને પગલે અમ્માના સમર્થકો આનંદમાં આવી ગયા હતા, પરંતુ બાદમાં એ સમાચાર ખોટા નીકળતાં તેમણે રોષે ભરાઈને તોડફોડ કરી હતી.