માલદામાં જે. પી. નડ્ડાએ રાજ્ય સરકાર સામે રોડ-શોમાં કહ્યું...

07 February, 2021 02:18 PM IST  |  Malda | Gujarati Mid-day Correspondent

માલદામાં જે. પી. નડ્ડાએ રાજ્ય સરકાર સામે રોડ-શોમાં કહ્યું...

માલદામાં રોડ-શો દરમ્યાન બીજેપીના પ્રમુખ જે. પી. નડ્ડા. (તસવીર: પી.ટી.આઇ.)

બીજેપીના પ્રમુખ જે. પી. નડ્ડા ગઈ કાલે પશ્ચિમ બંગાળના માલદામાં એક સામાજિક સંમેલનમાં ખેડૂતો સાથે ભોંય પર બેસીને ખીચડી જમ્યા હતા. દિલ્હીમાં કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલકારોએ ચક્કાજામનું આયોજન કર્યું છે ત્યારે પશ્ચિમ બંગાળમાં બીજેપીના પ્રમુખે ખેડૂતોના કલ્યાણ માટે મોદી સરકારની કટિબદ્ધતા અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એક મહિનાના કૃષક સુરક્ષા અભિયાનના ભાગરૂપે માલદામાં ખેડૂતોની જાહેર સભા દરમ્યાન જે. પી. નડ્ડાએ એ સમુદાયમાં બીજેપીતરફી સમર્થન ઊભું કરવા માટે ‘એક મુઠ્ઠી ચાવલ’ ઝુંબેશ પણ શરૂ કરી હતી.

પૂર્વના એ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વચ્ચે જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે બંગાળના લોકોએ મમતાને ટાટા કરવાનું મન બનાવી લીધું છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી ફક્ત તેમનો અહમ્ સંતોષવા માટે વડા પ્રધાનની કિસાન સમ્માન નિધિ યોજનાના લાભ રાજ્યના ખેડૂતો સુધી પહોંચવા દેતાં નથી. તેમને કારણે ૭૦ લાખ ખેડૂતો ૬૦૦૦ રૂપિયાની વાર્ષિક સહાયથી વંચિત રહે છે. તૃણમૂલ કૉન્ગ્રેસ પક્ષ રાજ્યમાં આધાર ગુમાવી રહ્યો હોવાનો અહેસાસ થયા પછી મમતાદીદી વડા પ્રધાનની કિસાન સમ્માન નિધિ યોજનાનો પશ્ચિમ બંગાળમાં અમલ કરવા તૈયાર થયાં છે. પશ્ચિમ બંગાળના ખેડૂતોને ન્યાય અપાવવાનો બીજેપીનો સંકલ્પ છે.

national news west bengal mamata banerjee