કી-વર્ડ‍્સ સર્ચ કરાયા, ફોન્સ ક્લોન કરાયા

16 February, 2023 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીબીસી ઇન્ડિયા​ની વિરુદ્ધ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટનું સર્વે ઑપરેશન બીજા દિવસે પણ‌ચાલ્યું. અ​ધિકારીઓએ ‘ટૅક્સ’, ‘શેલ કંપની’, ‘ફન્ડ ટ્રાન્સફર’, ‘ફૉરેન ટ્રાન્સફર’, ‘બ્લૅક મની’, ‘બેનામી’ અને બિલ્સ સહિત અનેક કી-વર્ડ‍્સ લખીને સર્ચ કર્યું

નવી દિલ્હીમાં ગઈ કાલે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટના સર્વે ઑપરેશનના બીજા દિવસે બીબીસીની ઑફિસની બહાર મીડિયાકર્મીઓ. તસવીર પી.ટી.આઇ.

બીબીસી ઇન્ડિયા​ની વિરુદ્ધ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટનું સર્વે ઑપરેશન બીજા દિવસે પણ‌ચાલ્યું. અ​ધિકારીઓએ ‘ટૅક્સ’, ‘શેલ કંપની’, ‘ફન્ડ ટ્રાન્સફર’, ‘ફૉરેન ટ્રાન્સફર’, ‘બ્લૅક મની’, ‘બેનામી’ અને બિલ્સ સહિત અનેક કી-વર્ડ‍્સ લખીને સર્ચ કર્યું, કેટલાક સિનિયર અધિકારીઓના ફોન્સને ક્લોન કરવામાં આવ્યા

નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ બીબીસી ઇન્ડિયા​ની વિરુદ્ધ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટનું સર્વે ઑપરેશન બીજા દિવસે પણ‌ ચાલ્યું હતું. અધિકારીઓએ બીબીસીના ફાઇનૅન્શિયલ ડેટાની કૉપી મેળવી છે. ભારતમાં બીબીસીની વિરુદ્ધ કથિત ટૅક્સચોરીની તપાસના સંબંધમાં ટૅક્સ ડિપાર્ટમેન્ટે બીબીસીની દિલ્હી અને મુંબઈમાં રહેલી ઑફિસોમાં મંગળવારે સર્વે ઑપરેશન શરૂ કર્યું હતું. 

અધિકારીઓ મંગળવારે સવારે સાડાઅગિયાર વાગ્યે બીબીસીની ઑફિસોમાં પહોંચ્યા હતા. કર્મચારીઓના ફોન્સ બાજુ પર રાખવામાં આવ્યા હતા. તેમને બહાર કમ્યુનિકેશન કરવાની ના પાડવામાં આવી હતી. તેમને વૉરન્ટ પણ બતાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં બીબીસીના કર્મચારીઓ અને ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. 

જાણકારી મળી છે કે ૨૦૧૨થી બીબીસીનાં જેટલાં પણ ફાઇનૅન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે, કેટલાં અકાઉન્ટ્સ છે, ક્યાંથી કેટલા રૂપિયા આવી રહ્યા હતા, તેમણે એ રૂપિયાને ક્યાં ટ્રાન્સફર કર્યા, બૅલૅન્સ​-શીટ કેવી છે એ તમામની વિગતો બીબીસી પાસેથી મેળવી લેવામાં આવી છે.

એ સિવાય કર્મચારીઓનાં કમ્પ્યુટર્સ જ નહીં, પત્રકારોનાં કમ્પ્યુટર્સની પણ તપાસ કરવામાં આવી હતી. એ કમ્પ્યુટર્સમાં કેટલાક કી-વર્ડ્સ લખીને ઇન્કમ ટૅક્સના અધિકારીઓએ સર્ચ કર્યું હતું. આ અ​ધિકારીઓ ‘ટૅક્સ’, ‘શેલ કંપની’, ‘ફન્ડ ટ્રાન્સફર’, ‘ફૉરેન ટ્રાન્સફર’, ‘બ્લૅક મની’, ‘બેનામી’ અને બિલ્સ સહિત અનેક કી-વર્ડ્સ લખીને સર્ચ કરતા હતા. જે કર્મચારીઓનાં કમ્પ્યુટર્સની તપાસ પૂરી થઈ ગઈ હતી તેમને તેમના ફોન્સ પાછા આપી દેવામાં આવ્યા હતા. કોઈનો પણ ફોન કે કમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યું નથી. સર્વેમાં જપ્ત કરવાની પ્રક્રિયા થતી નથી. 

ઉપરાંત એડિટોરિયલી નિર્ણયો લેતા, બિલ્સ પાસ કરતા અને બજેટ નક્કી કરતા બીબીસીના કેટલાક સિનિયર અધિકારીઓના ફોન્સને ક્લોન કરવામાં આવ્યા છે. એટલે તેમના ફોન્સમાં જે કાંઈ થશે એ ઇન્કમ ટૅક્સના અધિકારીઓ જોઈ શકશે. મોટા ભાગના કર્મચારીઓને મંગળવારે રાતે ઘરે જવા દેવામાં આવ્યા હતા. જોકે કેટલાક સિનિયર અધિકારીઓને મંગળવારની આખી રાત રોકવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: જ્યારે ઈન્દિરા ગાંધીએ BBC પર મૂક્યો હતો બૅન, જાણો ત્યારે કેમ થઈ હતી કાર્યવાહી

દરમ્યાન ઇન્કમ ટૅક્સનાં સૂત્રો અનુસાર ઇન્કમ ટૅક્સના અધિકારીઓ બૉગસ ટ્રાન્ઝૅક્શનની શોધી રહ્યા છે. તેમનું કહેવું છે કે ટ્રાન્સફર પ્રાઇસિંગ પૉલિસીનો ભંગ કરવામાં આવ્યો છે. તેમણે ભારતમાં જે લાભ મેળવ્યો છે એને ગેરકાયદે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ટૅક્સની રકમ પણ આપવામાં નહોતી આવી એમ પણ કહેવામાં આવી રહ્યું છે.

દિલ્હીમાં ઇન્ડિયન ટૅક્સ ઑથોરિટીઝ દ્વારા બીબીસીની ઑફિસોમાં સર્ચથી અમે વાકેફ છીએ. અમે દુનિયાભરમાં ફ્રી પ્રેસના મહત્ત્વને સપોર્ટ આપીએ છીએ. અમે માનવાધિકાર તરીકે અભિવ્યક્તિની આઝાદીના મહત્ત્વને સતત પ્રાથમિકતા આપીએ છીએ. એણે ભારતમાં લોકશાહીને મજબૂત બનાવી છે.  - નેડ પ્રાઇસ, અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા

બીબીસીએ બ્રૉડકાસ્ટ ડિપાર્ટમેન્ટ સિવાય તમામ ડિપાર્ટમેન્ટના એમ્પ્લૉઈઝને ઘરેથી કામ કરવા જણાવ્યું

બીબીસીએ એના કર્મચારીઓને એક ઈ-મેઇલમાં એના બ્રૉડકાસ્ટ ડિપાર્ટમેન્ટ સિવાય તમામ ડિપાર્ટમેન્ટના એમ્પ્લૉઈઝને ઘરેથી કામ કરવા જણાવ્યું હતું. આ ઈ-મેઇલમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કર્મચારીઓને જો 
પર્સનલ ઇન્કમ વિશે પૂછવામાં આવે તો તેઓ એના જવાબ આપવાનું ટાળી શકે છે. તેમણે સૅલેરી સંબંધિત સવાલના જવાબ આપવા જોઈએ.’ આ ઈ-મેઇલમાં બીબીસીએ એના સ્ટાફને અધિકારીઓને સહકાર આપવા અને સવાલોના પૂરેપૂરા જવાબ આપવા જણાવ્યું હતું. 

national news bbc new delhi income tax department narendra modi