ઇસરો હવે અમેરિકાનો ૬૫૦૦ કિલોગ્રામનો સૅટેલાઇટ લૉન્ચ કરશે

11 August, 2025 09:03 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

જાણકારી અમેરિકા સાથે મળીને ISROએ વિશ્વનો સૌથી મોંઘો સૅટેલાઇટ નિસાર લૉન્ચ કર્યો એના થોડા જ દિવસ પછી આવી છે.

ISROના અધ્યક્ષ અને અવકાશ વિભાગના સેક્રેટરી વી. નારાયણ

આવનારા સમયમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO-ઇસરો) દ્વારા ૬૫૦૦ કિલોગ્રામ વજનનો અમેરિકન કમ્યુનિકેશન સૅટેલાઇટ લૉન્ચ કરવામાં આવશે. આ જાણકારી અમેરિકા સાથે મળીને ISROએ વિશ્વનો સૌથી મોંઘો સૅટેલાઇટ નિસાર લૉન્ચ કર્યો એના થોડા જ દિવસ પછી આવી છે.

૩૦ જુલાઈએ ભારતે GSLV-F16 રૉકેટથી અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ઇસરોના સહયોગમાં સિન્થેટિક એપર્ચર રડાર (NISAR) મિશન સફળતાપૂર્વક લૉન્ચ કર્યું હતું.

ISROના અધ્યક્ષ અને અવકાશ વિભાગના સેક્રેટરી વી. નારાયણને ચેન્નઈ નજીક કટ્ટનકુલાથુર ખાતે SRM ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજીના ૨૧મા દીક્ષાંત સમારોહમાં પ્રવચન દરમ્યાન આ માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે ’અત્યાર સુધીમાં ઇસરોએ એના રૉકેટનો ઉપયોગ કરીને ૩૪ દેશોના ૪૩૩ ઉપગ્રહો અવકાશમાં લૉન્ચ કર્યા છે. આ સિદ્ધિ દર્શાવે છે કે ભારત હવે ફક્ત પોતાના માટે જ નહીં, પરંતુ દુનિયા માટે પણ એક વિશ્વસનીય અવકાશ ભાગીદાર બની ગયું છે. આગામી અમેરિકન કમ્યુનિકેશન સૅટેલાઇટ લૉન્ચ આ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.’

isro chennai united states of america nasa india national news news