બંગાળમાં બીજેપીની ભૂલને યુપીમાં અખિલેશ રિપીટ કરી રહ્યો છે?

14 January, 2022 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ બીજેપીના નેતાઓને આવકારી રહ્યા છે. સૌથી પહેલાં અખિલેશે સ્વામી પ્રસાદ મૌર્યને સમાજવાદી પાર્ટીમાં આવકારવા માટે એક ટ્વીટ કર્યું હતું.

ભાજપનો લોગો

લખનઉ ઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ બીજેપીના નેતાઓને આવકારી રહ્યા છે. સૌથી પહેલાં અખિલેશે સ્વામી પ્રસાદ મૌર્યને સમાજવાદી પાર્ટીમાં આવકારવા માટે એક ટ્વીટ કર્યું હતું. મૌર્ય ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારમાં એક વગદાર પ્રધાન હતા. એ પછી તો ઉત્તર પ્રદેશમાં બીજેપીના બીજા ચાર ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં જોડાયા હોવાના ન્યુઝ આવ્યા. 
બુધવારે ઉત્તર પ્રદેશ કૅબિનેટમાંથી દારા સિંહ ચૌહાણે રાજીનામું આપ્યું હતું. હવે બીજેપીની ચિંતા વધારતાં ધારાસભ્ય મુકેશ વર્માએ રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં ગઈ કાલે ઓબીસી નેતા ધરમ સિંહ સૈની ઉત્તર પ્રદેશની કૅબિનેટમાંથી રાજીનામું આપનારા ત્રીજા પ્રધાન બન્યા હતા. 
ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલાંનો આ માહોલ ગયા વર્ષે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પહેલાંની સ્થિતિની યાદ અપાવે છે. બંગાળમાં બીજેપી શાસક તૃણમૂલ કૉન્ગ્રેસને પડકારી રહ્યું હતું. 
વાસ્તવમાં એ સમયે તૃણમૂલ કૉન્ગ્રેસના અનેક નેતાઓ મમતા બૅનરજી સરકારની વિરુદ્ધ ઍન્ટિ-ઇન્કમબન્સીનો માહોલ હોવાનું સમજીને ટીએમસીમાંથી બીજેપીમાં જોડાયા હતા. તૃણમૂલ કૉન્ગ્રેસના ૧૪૦થી વધુ નેતાઓ બીજેપીમાં જોડાયા હતા, જેમાં ૩૫થી વધારે ધારાસભ્યો સામેલ હતા. 
આખરે બીજેપીએ પશ્ચિમ બંગાળમાં પક્ષપલટો કરનારા ૧૯ ધારાસભ્યોને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી હતી, જેમાંથી માત્ર છ જ બીજેપી માટે તેમની સીટ્સ જીતી શક્યા હતા. વાસ્તવમાં તૃણમૂલમાંથી બીજેપીમાં નેતાઓ જોડાઈ રહ્યા હતા એ સ્થિતિને બીજેપીની તરફેણમાં જોવામાં આવતી હતી. જોકે વાસ્તવમાં એ તો આખરે મમતા બૅનરજી અને તૃણમૂલ કૉન્ગ્રેસ માટે ફાયદાકારક રહ્યું હતું. કેમ કે ઍન્ટિ-ઇન્કમબન્સી ફૅક્ટર માત્ર સીએમ કે પાર્ટીને લાગુ પડતું નથી, ધારાસભ્યોને પણ લાગુ પડે છે એટલે જ તૃણમૂલના અનેક ધારાસભ્યો બીજેપીમાં જોડાયા ત્યારે તૃણમૂલ માટે ઍન્ટિ-ઇન્કમબન્સી ઇફેક્ટ્સ કંઇક અંશે ઘટી ગઈ હતી.

bharatiya janata party akhilesh yadav