09 October, 2025 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે એ માટે ભારતીય રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં એક મહત્ત્વનો ફેરફાર કરવાનું વિચારી રહી છે. આ ફેરફાર પછી પ્રવાસીઓ તેમની કન્ફર્મ ટિકિટ માટે પ્રવાસની તારીખ બદલી શકશે અને એ માટે તેમણે કોઈ વધારોનો ચાર્જ પણ નહીં આપવો પડે.
સમજો કે તમે ૨૦ નવેમ્બરની અમદાવાદની કન્ફર્મ ટિકિટ લીધી છે પણ એ પછી કોઈ કારણને લીધે તમે ૨૦ તારીખને બદલે ૨૫ તારીખે અમદાવાદ જવા માગો છો તો તમારે હાલની ટિકિટ કૅન્સલ કરીને નવી ટિકિટ બુક નહીં કરાવવી પડે, એ જ ટિકિટ માટે પ્રવાસની તારીખ આગળ કરવાની સુવિધા હવે પ્રવાસીઓને મળી શકશે. આ સાથે ટિકિટ કૅન્સલ કરવાથી જે કૅન્સલેશન ચાર્જ લાગતો હતો એ પણ બચી જશે.
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘આ સુવિધા જાન્યુઆરીથી ઉપલબ્ધ કરવામાં આવશે. જોકે કન્ફર્મ ટિકિટની સામે કન્ફર્મ જ ટિકિટ મળશે એવું નથી, બીજી ટિકિટનું અલૉટમેન્ટ એ તારીખના બુકિંગ પર અવલંબે છે. વળી જો એના ટિકિટભાડામાં પણ ફેરફાર હોય તો પ્રવાસીએ ભાડામાં જેટલી રકમ વધારે હશે એ ચૂકવવી પડશે. આ સુવિધાના કારણે અનેક પ્રવાસીઓને ફાયદો થશે.’
કઈ ટિકિટ કૅન્સલ કરવાથી કેટલા પૈસા બચી શકશે?
AC ફર્સ્ટક્લાસ / એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટ પર ૨૪૦ રૂપિયા, AC-2 ટિયર/ ફર્સ્ટ ક્લાસની ટિકિટ પર ૨૦૦ રૂપિયા, AC-3 ટિયર/ AC ચૅર કાર / 3 ઇકૉનૉમી ક્લાસની ટિકિટ પર ૧૮૦ રૂપિયા કૅન્સલેશન ચાર્જ લાગે છે. સ્લીપર ક્લાસની ટિકિટ પર ૧૨૦ રૂપિયા અને સેકન્ડ ક્લાસની ટિકિટ પર ૬૦ રૂપિયા કૅન્સલેશન ચાર્જ લેવામાં આવે છે.