28 July, 2026 10:31 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઇન્સ્ટાગ્રામ (Instagram)એ દરેકનું મનપસંદ અને અત્યંત લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના તમામ લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ (Instagram Reels) જોતા અને કન્ટેન્ટ બનાવતા જોવા મળે છે. ભારતમાં તો દરેકને ઇન્સ્ટાગ્રામ સ્ક્ર્રોલ કરવાનું ઘેલું લાગ્યું છે. એવામાં એક વાયરલ મેસેજે ઇન્સ્ટા યુઝર્સની ચિંતા વધારી દીધી છે. સોશિયલ મીડિયા પર એવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે ભારત સરકાર (Indian Government) ૨૫ ઓગસ્ટથી ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે, જેના કારણે યુઝર્સમાં ભારે અસમંજસ અને ડરનો માહોલ સર્જાયો છે. હવે આ મામલે સરકારે પોતે જ મહત્વની સ્પષ્ટતા કરી છે.
ભારતમાં ૨૫ ઓગસ્ટથી ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જશે તેવો દાવો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. વાયરલ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ૨૫ ઓગસ્ટ ૨૦૨૬ની રાતથી ભારતમાં ઇન્સ્ટાગ્રામ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ દાવાના વાયરલ થતાં જ કરોડો યુઝર્સ વચ્ચે ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. હવે કેન્દ્ર સરકારે આ અંગે સત્તાવાર સ્પષ્ટતા આપતાં સ્પષ્ટ કર્યું છે કે, ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂકવાનો આ દાવો સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક (Instagram ban in India fake news) છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (Press Information Bureau)ની ફેક્ટ ચેક યુનિટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ વાયરલ દાવાને ફગાવી દીધો છે. PIBએ સ્પષ્ટ કર્યું છે કે, ભારત સરકાર દ્વારા ઇન્સ્ટાગ્રામ અંગે આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આ સંબંધમાં કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી.
પીઆઈબી ફેક્ટ ચેકે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 25 ઓગસ્ટ 2026ની રાતથી ભારતમાં ઇન્સ્ટાગ્રામ બેન થઈ જશે, પરંતુ આ સંપૂર્ણપણે ફેક ન્યૂઝ છે.
સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ આવી બિનઅધિકૃત અને ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરે. આ સાથે જ સરકારી નિર્ણયો સંબંધિત કોઈપણ શંકાસ્પદ દાવાની પુષ્ટિ કરવા માટે માત્ર સત્તાવાર સ્ત્રોતોનો જ સહારો લેવો. PIBએ લોકોને એવું પણ કહ્યું છે કે જો કેન્દ્ર સરકાર સાથે જોડાયેલી કોઈ શંકાસ્પદ કે ભ્રામક પોસ્ટ સોશિયલ મીડિયા પર જોવા મળે, તો તેની જાણ ફેક્ટ ચેક યુનિટને કરવી, જેથી સમયસર તેની સત્યતા સામે લાવી શકાય.
ઇન્સ્ટાગ્રામ બેનની અફવા પર સરકારની આ સ્પષ્ટતા એવા સમયે આવી છે, જ્યારે તેના એક દિવસ પહેલા વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અન્ય એક દાવાને ફગાવી દીધો હતો.
તે પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જેસવાલ (Randhir Jaiswal)એ કૉકરોચ જનતા પાર્ટી (Cockroach Janta Party)ના તાજેતરના આંદોલનની કથિત વિદેશી ફંડિંગ અંગે નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલય (MEA)એ સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલું નિવેદન ભ્રામક છે અને તેમાં પ્રવક્તાના વાસ્તવિક નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નિયમિત મીડિયા બ્રીફિંગ દરમિયાન પ્રવક્તાએ માત્ર એટલું જ કહ્યું હતું કે હાલમાં તેમની પાસે આ વિષય પર શેર કરવા માટે કોઈ માહિતી નથી.
સતત વાયરલ થઈ રહેલી ભ્રામક પોસ્ટ્સ વચ્ચે કેન્દ્ર સરકારની ફેક્ટ ચેક એજન્સીઓ સક્રિય નજરે પડી રહી છે. સરકારનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પર કોઈપણ દાવાને સાચો માનતા પહેલા તેની ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને સરકારી નિર્ણયો અને નીતિઓ સાથે જોડાયેલા સમાચારના કિસ્સામાં માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો કરવો જોઈએ.