યુદ્ધજહાજ તિહાયુનો નૌકાદળમાં ઉમેરો કરાયો

20 October, 2016 07:27 AM IST  | 

યુદ્ધજહાજ તિહાયુનો નૌકાદળમાં ઉમેરો કરાયો



ભારતીય નૌસેનાની તાકાત હવે વધી ગઈ છે. ફૉલો ઑન વૉટર જેટ ફાસ્ટ અટૅક ક્રાફ્ટ (FO-WJFAC) શ્રેણીની નૌકા INS તિહાયુને ગઈ કાલે ઈસ્ટર્ન નેવલ કમાન્ડના પ્રમુખ એચસીએસ બિષ્ટની હાજરીમાં નૌસેનામાં દાખલ કરવામાં આવી હતી. તિહાયુનો ઉપયોગ દરિયાકાંઠાની ચોકી અને ચાંચિયાઓ સામે લડવામાં થશે. ઈસ્ટર્ન નેવીના કાફલામાં સામેલ કરવામાં આવેલી આ છઠ્ઠી નૌકા છે. આમાંથી ચાર નૌકા ચેન્નઈ જ્યારે તિહાયુ સમેત અન્ય બે નૌકા વિશાખાપટનમમાં તહેનાત કરવામાં આવશે.

૩૧૫ ટન વજનવાળી આ શિપમાં લેટેસ્ટ ૪૦૦૦ સિરીઝનું MTU એન્જિન લગાડવામાં આવ્યું છે જેમાં અદ્યતન મશીનરી કન્ટ્રોલ સિસ્ટમ અને વૉટર જેટ્સ લગાડવામાં આવ્યા છે. આ શિપની ઝડપ મહત્તમ ૩૫ નૉટ્સ અર્થાત્ કલાકદીઠ ૬૫ કિલોમીટર છે. દરિયાકાંઠાની ચોકી કરવા આ શિપમાં અદ્યતન કમ્યુનિકેશન ઉપકરણો અને રડાર બેસાડવામાં આવ્યાં છે. આમાં ત્રણ વૉટર જેટ પ્રોપલ્શન સિસ્ટમ લગાડવામાં આવી છે. આ શિપમાં બેસાડવામાં આવેલા મરીન ડીઝલ એન્જિન ૨૭૧૦ કિલોવૉટનો પાવર પેદા કરે છે. શિપમાં સ્વદેશી CRN91 ગન ગોઠવવામાં આવી છે જે કોઈ પણ હુમલાને ખાળી શકવા સક્ષમ છે. આ શિ૫ને કલકત્તાની કંપની ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ ઍન્ડ અન્જિનિયર્સ લિમિટેડે બનાવી છે. કંપનીએ આ શિપ ભારતીય નૌસેનાને ૩૦ ઑગસ્ટે સોંપી હતી. આંદામાનના એક ટાપુ તિહાયુના નામ પરથી આ શિપનું નામ રાખવામાં આવ્યું છે.