હવે પાકિસ્તાન પર પૂરનો ખતરો! જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ, સલાલ અને બગલીહાર ડેમના બધા દરવાજા ખોલ્યા

09 May, 2025 06:58 AM IST  |  Srinagar | Gujarati Mid-day Online Correspondent

Indus Waters Treaty: જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં ઘણું પાણી એકઠું થયું છે તેથી ચિનાબ નદી પર બનેલા સલાલ અને બગલીહાર બંધના દરવાજા ખોલવામાં આવ્યા છે; પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ સર્જાઈ

ફાઈલ તસવીર

‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) પછી મુશ્કેલીમાં મુકેલાયા પાકિસ્તાન (Pakistan)ની મુશ્કેલીઓમાં ભારત (India)એ હજી વધારો કર્યો છે. ભારતે ફરી એકવાર પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ચિનાબ નદી (Chenab river)નો સહારો લીધો છે. ગુરુવારે બગલીહાર (Baglihar Dam) અને સલાલ બંધ (Salal Dam)ના ફ્લડગેટ્સ છોડવામાં આવ્યા હતા, જેના કારણે પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir)માં ભારે વરસાદ બાદ ભારતે ચિનાબ નદી પરના બગલીહાર ડેમના દરવાજા ખોલી નાખ્યા છે. મળતી માહિતી મુજબ, રામબન (Ramban) વિસ્તારમાં ભારે વરસાદને કારણે વધતા પાણીના સ્તરને નિયંત્રિત કરવા માટે ડેમના અનેક દરવાજા ખોલવા પડ્યા હતા. સતત ભારે વરસાદને કારણે, ચિનાબ નદીનું પાણીનું સ્તર ઝડપથી વધ્યું છે. ડેમના દરવાજા ખોલતાની સાથે જ પાકિસ્તાની વિસ્તારોમાં પાણીનો ઝડપી પ્રવાહ વધી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આનાથી પાકિસ્તાનમાં પૂરનું જોખમ વધી ગયું છે. ચિનાબ નદી પર બનેલા સલાલ ડેમનો માત્ર એક જ દરવાજો ખુલ્લો છે, જેના કારણે પાકિસ્તાન તરફ પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. તે જ સમયે, બગલીહાર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. જે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) રદ કરીને બંધ કરવામાં આવ્યા હતા.

પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) પછી ભારતે પાકિસ્તાન પર પાણીનો પ્રહાર કરીને સિંધુ જળ સંધિનો ભંગ કર્યો. બગલીહાર અને સલાલ ડેમના દરવાજા બંધ કરીને પાકિસ્તાનનું પાણી બંધ કરવામાં આવ્યું. પાણી બંધ થયાના બે દિવસ પછી, ભારતીય બાજુથી અચાનક ફરીથી દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે પાકિસ્તાની બાજુ પૂરનું જોખમ વધી ગયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મરાલા હેડ ખાતે ચિનાબ નદીમાંથી ૨૮૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અચાનક ભારે પાણી છોડવાને કારણે પાકિસ્તાનના સિયાલકોટ (Sialkot), ગુજરાત (Gujarat) અને હેડ કાદિરાબાદ (Head Qadirabad)માં પૂરનો ભય છે. પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ભારતે સિંધુ જળ સંધિ પણ હાલ મુલતવી રાખી છે. ચિનાબ નદી પણ આ સંધિનો એક ભાગ છે. સિંધુ નદી પ્રણાલીમાં જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ નદીઓનો સમાવેશ થાય છે. ૧૯૬૦ની સંધિમાં, તેમના પાણીનો ઉપયોગ કરવાના અધિકારો ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચવામાં આવ્યા હતા. પાકિસ્તાનની મોટાભાગની ખેતી સિંચાઈ માટે આ નદી પ્રણાલી પર નિર્ભર છે. બગલીહાર ડેમ એ ચિનાબ નદી પર બનેલો એક મહત્વપૂર્ણ જળવિદ્યુત પ્રોજેક્ટ છે. તે અગાઉ સિંધુ જળ સંધિ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદોનું કેન્દ્ર રહ્યું છે. સિંધુ જળ સંધિ એક કરાર છે જેના હેઠળ ભારત અને પાકિસ્તાન સિંધુ નદી અને તેની ઉપનદીઓના પાણીનો ઉપયોગ કરે છે. પરંતુ હવે ભારતે આ સંધિને પણ મુલતવી રાખી છે. આનો અર્થ એ છે કે ભારત પાકિસ્તાનને પાણી આપવાના મામલે કેટલાક ફેરફારો કરી શકે છે.

operation sindoor india pakistan Pahalgam Terror Attack jammu and kashmir indian government national news news srinagar