ઇન્દોર સૌથી ચોખ્ખુંચણક તો ગોંડા સૌથી ગંદુંગોબરું

05 May, 2017 06:53 AM IST  | 

ઇન્દોર સૌથી ચોખ્ખુંચણક તો ગોંડા સૌથી ગંદુંગોબરું



નગર વિકાસ વિભાગના પ્રધાન વેન્કૈયા નાયડુએ ગઈ કાલે જાહેર કરેલા ભારતનાં ૪૩૪ શહેરોનાં સ્વચ્છ ભારત રેટિંગ્સમાં સૌથી સ્વચ્છ પચાસ શહેરોમાં બાર શહેર ગુજરાતનાં, ૧૧ શહેર મધ્ય પ્રદેશનાં અને આઠ શહેર આંધ્ર પ્રદેશનાં છે. રેટિંગ્સ મુજબ આખા દેશમાં સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં મધ્ય પ્રદેશનું ઇન્દોર ટોચ પર છે અને ઉત્તર પ્રદેશનું ગોંડા સૌથી છેવાડે છે. રાજ્યોમાં મધ્ય પ્રદેશ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગણ, છત્તીસગઢ અને ઝારખંડ અગ્રેસર છે તથા ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબ સાવ છેવાડે છે. છેવાડેના ક્રમમાં એટલે કે સાવ ગંદાંની ગણતરીમાં આવતાં પચાસ શહેરોમાંથી પચીસ શહેરો ઉત્તર પ્રદેશનાં છે.

યાદીમાં ટોચનાં પાંચ શહેરોમાં પ્રથમ ઇન્દોર, બીજું ભોપાલ, ત્રીજું વિશાખાપટ્ટનમ, ચોથું સુરત અને પાંચમું મૈસૂર છે. તામિલનાડુનું તિરુચિરાપલ્લી છઠ્ઠા ક્રમનું શહેર છે, જ્યારે દિલ્હી સાતમા ક્રમે આવ્યું છે. સૌથી ગંદાં શહેરોમાં ઉત્તર પ્રદેશના ગોંડા પછી મહારાષ્ટ્રના ભુસાવળનો ક્રમ છે. સ્વચ્છ સર્વેક્ષણ - ૨૦૧૭માં વડા પ્રધાનના મતવિસ્તારનું શહેર વારાણસી ૩૨મા ક્રમે આવ્યું છે. વારાણસી ગયા વર્ષે ૬૫મા અને ૨૦૧૪માં ૪૧૮મા ક્રમે હતું. ગયા વર્ષે પ્રથમ ક્રમે આવેલું કર્ણાટકનું મૈસૂર આ વખતે પાંચમા ક્રમે પહોંચ્યું છે. સૌથી ગંદાં પચાસ શહેરોમાં અડધોઅડધ પચીસ શહેરો ઉત્તર પ્રદેશનાં છે. સૌથી ગંદાં શહેરોમાં પ્રથમ ગોંડા, બીજું ભુસાવળ, ત્રીજું બગહા અને ચોથું કટિહાર (બન્ને બિહારનાં), પાંચમું ઉત્તરાખંડનું હરદોઈ, છઠ્ઠું બહરાઇચ, સાતમું શાહજહાંપુર, આઠમું ખુર્જા (ત્રણેય ઉત્તર પ્રદેશ), નવમું મુક્તસર અને દસમું અબોહર (બન્ને પંજાબ) છે. બેન્ગૉલે સર્વેક્ષણમાં ભાગ લીધો નહોતો.

એક લાખ કે એથી વધારે વસ્તી ધરાવતાં શહેરોમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં એકંદર શહેરી વસ્તીના લગભગ ૬૦ ટકા એટલે કે ૩૭ લાખ લોકોએ ફીડબૅક ફૉર્મમાં છ સવાલોના જવાબો લખ્યા હતા. ડુપ્લિકેટ ફીડબૅક્સને રદબાતલ કરતાં ૧૮ લાખ લોકોના રિસ્પૉન્સની નોંધ લેવામાં આવી હતી. સરકારે જણાવ્યું હતું કે ૮૦ ટકા લોકોએ છેલ્લાં બે વર્ષમાં સ્વચ્છતાની બાબતમાં દેશની પરિસ્થિતિમાં સુધારો થયો હોવાનું જણાવ્યું હતું. સ્વચ્છ સર્વેક્ષણનો આરંભ ૨૦૧૪માં કરવામાં આવ્યો હતો.