ગજબનાક હનીમૂન મર્ડર

10 June, 2025 07:58 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

મેઘાલયમાં ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા તેની પત્ની સોનમે જ કરાવી હોવાનો પર્દાફાશ : પપ્પાની ફૅક્ટરીમાં કામ કરતા રાજ કુશવાહા સાથેના અફેરને લીધે આ ઘાતકી પગલું ભર્યું : બૉયફ્રેન્ડે મધ્ય પ્રદેશથી મોકલાવ્યા ત્રણ કૉન્ટ્રેક્ટ કિલર્સ

રાજા રઘુવંશી , ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં આત્મસમર્પણ વખતે સોનમ

૧૧ મેએ લગ્ન કર્યાં, ૧૮ મેએ હત્યાનું ષડ્યંત્ર રચ્યું, ૨૦મીએ હનીમૂન પર નીકળી, પ્રેમીએ ત્રણ કૉન્ટ્રૅક્ટ કિલર મોકલ્યા, ૨૩ મેએ પતિનો જીવ લીધો, પછી ગુમ થઈ ગઈ, જોકે કિલર્સ પકડાઈ જતાં આત્મસમર્પણ કર્યું

ઇન્દોરથી મેઘાલય અને ગાઝીપુર સુધી જોડાયેલા છે આ લવ ટ્રાયેન્ગલ મર્ડર સ્ટોરીના તાર : ઘટનાસ્થળથી ૧૧૦૦ કિલોમીટર અને હત્યાના ૧૭ દિવસ બાદ સોનમ રઘુવંશીએ સરેન્ડર કેમ કર્યું એની તપાસ શરૂ : આ કેસમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ, શિલૉન્ગના સ્થાનિક ટૂરિસ્ટ ગાઇડે રાજા અને સોનમ સાથે હિન્દીમાં બોલતા ત્રણ અજાણ્યા લોકોને જોયા હતા એ માહિતીના આધારે પોલીસને કેસ ઉકેલવામાં સફળતા મળી

ઇન્દોરના નવદંપતી પૈકી રાજા રઘુવંશીની મેઘાલયમાં કરવામાં આવેલી કરપીણ હત્યાના કેસમાં પોલીસે તેની પત્ની સોનમની ધરપકડ કરી છે. આ કેસમાં ત્રણ કૉન્ટ્રૅક્ટ કિલર્સ સહિત પાંચ આરોપી ઝડપાયા છે જેમાં સોનમના પ્રેમી રાજ કુશવાહાનો પણ સમાવેશ છે. રાજ સોનમના પપ્પાની પ્લાયવુડની ફૅક્ટરીમાં કામ કરે છે અને તે સોનમ કરતાં પાંચ વર્ષ નાનો હોવાનું જાણવા મળ્યું છે.

વિકી ઉર્ફે વિશાલ ચૌહાણ, રાજ કુશવાહા, આકાશ રાજપૂત

આ કેસ વિશે પોલીસે આપેલી જાણકારી મુજબ રાજા અને સોનમનાં લગ્ન ૧૧ મેએ થયાં હતાં પણ સોનમે રાજ કુશવાહા સાથે મળીને ૧૮ મેએ હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. આ દંપતી ૨૦ મેએ હનીમૂન પર મેઘાલય જવા નીકળ્યું હતું અને એ પછી સોનમના પ્રેમીએ ત્રણ કૉન્ટ્રૅક્ટ કિલર મોકલ્યા હતા. આ કિલર્સે ૨૩ મેએ રાજા રઘુવંશીની હત્યા કરી હતી. આ હત્યા બાદ કિલર્સ પાછા જતા રહ્યા હતા. જોકે મેઘાલય અને મધ્ય પ્રદેશની પોલીસ સાથે ઉત્તર પ્રદેશની પોલીસે પણ આ હાઈ-પ્રોફાઇલ મર્ડરકેસમાં તપાસ કર્યા બાદ એક પછી એક ધરપકડ કરતાં રાજા રઘુવંશીની હત્યાના ૧૭ દિવસ બાદ અને ઘટનાસ્થળથી આશરે ૧૧૦૦ કિલોમીટર દૂર સોનમે ગાઝીપુર પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું. આમ આ લવ-ટ્રાયેન્ગલ મર્ડર મિસ્ટરીના તાર ઇન્દોરથી મેઘાલય અને ગાઝીપુર સુધી જોડાયેલા છે.

મેઘાલય પોલીસે કેસ કઈ રીતે ઉકેલ્યો?

મેઘાલયના એક ટૂરિસ્ટ ગાઇડ આલ્બર્ટ પીડીએ પોલીસને રાજા રઘુવંશીની હત્યાનો કેસ ઉકેલવામાં મદદ કરી હતી. આ ગાઇડે પોલીસને જણાવ્યું હતું કે મેં રાજા અને સોનમને ૨૨ મેએ ટ્રેકિંગ સર્વિસની ઑફર કરી હતી, પણ એ કપલે કહ્યું હતું કે ગાઇડ નક્કી કરી લીધો છે. તેઓ ૨૩ મેએ ટ્રેકિંગ કરતાં હતાં ત્યારે તેમની સાથે ગાઇડ નહોતો, પણ તેમની સાથે એવા ત્રણ પુરુષોને ટ્રેકિંગ કરતા જોયા હતા જેઓ સ્થાનિક રહેવાસી લાગતા નહોતા. તેઓ હિન્દીમાં વાત કરતા હતા એટલે તેને તેઓ શું વાત કરતા હતા એ સમજાઈ નહોતી. આલ્બર્ટના નિવેદનથી પોલીસને શંકાસ્પદોને શોધી કાઢવામાં અને સોનમની ધરપકડ કરવામાં મદદ મળી હતી.

શિલૉન્ગ પોલીસે શું કહ્યું?

બીજી તરફ શિલૉન્ગ પોલીસે કહ્યું હતું કે ‘સોનમ અને રાજ કુશવાહાએ મર્ડરનો પ્લાન કર્યો હતો. રાજ શિલૉન્ગ આવ્યો નહોતો; તે આકાશ રાજપૂત, વિશાલ ચૌહાણ અને આનંદ કુમાર નામના કૉન્ટ્રૅક્ટ કિલર્સના સંપર્કમાં રહેતો હતો. આ કિલર્સ શિલૉન્ગ આવ્યા હતા અને પછી બધા ચેરાપૂંજી ગયા હતા. સોનમ પછી રાજાને લઈને સૂમસામ વિસ્તારમાં ગઈ હતી અને ત્યાં આ કિલર્સે ભેગા મળીને રાજાની હત્યા કરી હતી અને પછી કિલર્સની સાથે જ સોનમ ગુવાહાટી આવી હતી. ગુવાહાટીમાં એક દિવસ રહ્યા બાદ બધા અલગ-અલગ નીકળી ગયા હતા. પોલીસને જાણ હતી કે સોનમ જીવે છે અને તેનો હાથ આ મર્ડરમાં છે. સોનમની કૉલ-ડિટેઇલ્સમાં જાણ થઈ હતી કે સોનમ રાજ કુશવાહાના સંપર્કમાં હતી. તેઓ એકબીજાને પહેલેથી જાણતાં હતાં અને તેમની વચ્ચે અફેર હતું.’

આકાશની પહેલી ધરપકડ

બધી વિગતો મેળવ્યા બાદ પોલીસ પહેલાં લલિતપુર પહોંચી હતી જ્યાં આકાશ રાજપૂતની ધરપકડ કરવામાં આવી. ત્યાર બાદ વિશાલ અને રાજ કુશવાહાની ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી. સોનમે ગાઝીપુરમાં સરેન્ડર કર્યું અને પાંચમા આરોપી આનંદને મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાંથી પકડવામાં આવ્યો.

આરોપી ઝડપાયા એટલે સોનમ બહાર આવી

મેઘાલય પોલીસના પૂર્વ ખાસી હિલ્સ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ વિવેક સૈયમે જણાવ્યું હતું કે આ કેસમાં બીજા આરોપીઓ પકડાઈ ગયા એટલે સોનમ માટે બધા દરવાજા બંધ થયા હતા એથી તે સામેથી બહાર આવી હતી. સોનમ તેનાં સગાંસંબંધીઓના સંપર્કમાં હતી ને તેમને ફોન કરતી હતી.

બધા આરોપીઓને શિલૉન્ગ લઈ જવાશે

મેઘાલય પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તમામ આરોપીઓને શિલૉન્ગ લઈ જવામાં આવશે અને ત્યાં કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવામાં આવશે.

નિર્દોષ હોવાનો અને અપહરણ થયું હોવાનો સોનમનો દાવો

પતિ રાજા રઘુવંશીની હત્યાના કેસમાં પકડાયેલી સોનમ રઘુવંશીએ દાવો કર્યો હતો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તે આરોપી નથી, નિર્દોષ છે. ધરપકડ પહેલાં સોનમ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક ઢાબા પર રડતી જોવા મળી હતી, જ્યાં તેણે મદદ માટે તેના ભાઈને ફોન કર્યો હતો. પોલીસનું કહેવું છે કે તેણે આત્મસમર્પણ કર્યું છે, પરંતુ પરિવાર આ વાતનો વિરોધ કરે છે.

રાજાને ૧૦ લાખના દાગીના પહેરાવ્યા હતા : માતાનો દાવો

હનીમૂન કરવા જતું દંપતી મોંઘાં ઘરેણાં પહેરીને જતું નથી, પણ ઇન્દોરનો રાજા રઘુવંશી ૧૦ લાખ રૂપિયાનાં ઘરેણાં પહેરીને ગયો હતો. સોનમે મેઘાલયથી રિટર્ન ટિકિટ બુક નહોતી કરાવી. રાજાની મમ્મીએ જણાવ્યું હતું કે મેં તેને ઘરેણાં પહેરીને જવાની ના પાડી ત્યારે રાજાએ મને જવાબ આપ્યો હતો કે સોનમ એવું ઇચ્છે છે કે હું બધાં ઘરેણાં પહેરીને જાઉં.

સોનમ શા માટે સાસુને ફોન કરતી?

સોનમ હનીમૂન વખતે વારંવાર તેની સાસુને ફોન કરતી હતી એ મુદ્દે પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે આ રીતે તે રઘુવંશી પરિવારમાં તેના પર કોઈ શક ન કરે એવું દર્શાવવા માગતી હતી. તે એવું દર્શાવવા માગતી હતી કે સબ સલામત છે. તેણે સાસુને એમ પણ કહ્યું કે રાજાએ તેને જંગલમાં લઈ જવાનો આગ્રહ કર્યો હતો.

રાજ કુશવાહા સોનમના પપ્પાની કંપનીમાં મૅનેજર, વાર્ષિક આવક બે લાખ રૂપિયા

સોનમનું અફેર રાજ કુશવાહા સાથે હતું. તે સોનમના પપ્પાની કંપનીમાં મૅનેજર હતો. રાજ સોનમથી પાંચ વર્ષ નાનો છે. સોનમ કંપનીમાં હ્યુમન રિસોર્સ (HR) સંભાળતી હતી અને બન્ને વચ્ચે ગાઢ સંબંધ હતા. રાજ કુશવાહાની કમાણી વધારે નથી. તેની વાર્ષિક આવક ભાગ્યે જ બે લાખ રૂપિયા હતી. તેની લાઇફસ્ટાઇલ પણ એટલી સારી નહોતી છતાં સોનમને તેના પર પ્રેમ હતો. રાજ કુશવાહાની પારિવારિક પૃષ્ઠભૂમિ પણ એટલી સારી નહોતી. સોનમ તેના કરતાં ઘણી ધનવાન હતી. સોનમના પરિવારનું ઇન્દોરમાં પોતાનું ઘર હતું. ત્યાં એક ફૅક્ટરી હતી છતાં તે તેના કર્મચારી સાથે પ્રેમમાં પડી હતી.

રાજા રઘુવંશીનો લાખોનો બિઝનેસ

સોનમ રઘુવંશીના પતિ રાજા રઘુવંશીનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ હતો. તેનો ધંધો લાખો રૂપિયાનો હતો છતાં સોનમે રાજ કુશવાહાને મેળવવા પતિની હત્યા કરાવી નાખી હતી.

indore meghalaya murder case crime news madhya pradesh relationships national news news shillong uttar pradesh