11 August, 2025 08:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમે એક મહિલા પ્રવાસીની ફરિયાદ પર દેશની સૌથી મોટી ખાનગી ઍરલાઇન ઇન્ડિગોને દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પિન્કી નામની આ મહિલાએ આરોપ લગાવ્યો હતો કે બીજી જાન્યુઆરીએ દિલ્હીથી અઝરબૈજાનની રાજધાની બાકુ જતી ફ્લાઇટમાં તેને ગંદી અને ડાઘ ધરાવતી સીટ આપવામાં આવી હતી. નવી દિલ્હીથી બાકુ હવાઈ મુસાફરી કરવામાં ઓછામાં ઓછા સાડાચાર કલાક લાગે છે.
આ મુદ્દે ફોરમે કહ્યું કે મહિલાને મુસાફરી દરમ્યાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને માનસિક યાતનામાંથી પસાર થવું પડ્યું હતું. આ વિશે ફરિયાદ કરી ત્યારે ઍરલાઇન્સે તેના પર કોઈ ધ્યાન આપ્યું નહીં, પરંતુ ઍરલાઇને કહ્યું હતું કે તેણે મહિલાને થયેલી અસુવિધાનું ધ્યાન રાખ્યું અને તેને બીજી સીટ ફાળવી હતી. તેણે એ સીટ પર બેસીને મુસાફરી કરી હતી.
જોકે ફોરમે ૯ જુલાઈએ એના આદેશમાં ઇન્ડિગોને સેવામાં ખામી માટે દોષિત ઠેરવીને ૧.૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ફોરમે કાનૂની ખર્ચ માટે ૨૫,૦૦૦ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.