25 May, 2025 10:59 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ઇન્ડિગોની ફ્લાઇટ
૨૧ મેએ દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ ગંભીર તોફાનમાં ફસાઈ હતી અને એને શ્રીનગરમાં ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવી પડી હતી. જ્યારે આ ફ્લાઇટ અમ્રિતસર પરથી પસાર થઈ રહી હતી ત્યારે તોફાનને પગલે પાઇલટે લાહોર ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) પાસેથી થોડા સમય માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી માગી હતી, પરંતુ એને નકારી કાઢવામાં આવી હતી. હવે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને (DGCA) કહ્યું છે કે જ્યાં સુધી આ કેસની તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બન્ને પાઇલટ વિમાન ઉડાડી શકશે નહીં.
આ સવાલ ઊઠ્યા
પહલગામ હત્યાકાંડ પછી પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ કરી દીધું છે તો પછી પાઇલટને પાકિસ્તાનના નોટિસ ટુ ઍરમેન (NOTAM)ની જાણ કેમ ન હતી? જો પાકિસ્તાને NOTAM દરમ્યાન આ વિમાન તોડી પાડ્યું હોત તો આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પાકિસ્તાન પર કેસ ચલાવવો મુશ્કેલ બન્યો હોત. પઠાણકોટથી ખૂબ નજીક આવેલા અમ્રિતસર ઍરપોર્ટ પર પાઇલટે ઉતરાણ કરવાનો પ્રયાસ કેમ ન કર્યો? તેણે આકાશમાં વિમાન ઉડાવવાનો આગ્રહ કેમ રાખ્યો હતો?
પઠાણકોટ નજીક હવામાન ખરાબ થયું
દિલ્હી-શ્રીનગર ઇન્ડિગો ફ્લાઇટને પઠાણકોટ નજીક કરા અને ખૂબ જ ભારે પવનનો સામનો કરવો પડ્યો હતો. જોકે વિમાનને તમામ મુસાફરો સાથે સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. DGCAએ જણાવ્યું હતું કે ફ્લાઇટ-રૂટ પર ખરાબ હવામાનને કારણે પાઇલટે રૂટ ડાયવર્ટ કરવાની પરવાનગી માગી હતી, પરંતુ તેને લાહોર હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
તૃણમૂલ કૉન્ગ્રેસનું પ્રતિનિધિમંડળ ફ્લાઇટમાં હતું
DGCAના જણાવ્યા મુજબ ક્રૂએ શરૂઆતમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે તેઓ તોફાની વાદળોની નજીક હતા ત્યારે તેમણે ખરાબ હવામાનમાં પણ વિમાન આગળ ઉડાવવાનો નિર્ણય કર્યો હતો. વિમાનમાં તૃણમૂલ કૉન્ગ્રેસનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ સવાર હતું, જેમાં ડેરેક ઓ’બ્રાયન, નદીમુલ હક, સાગરિકા ઘોષ, માનસ ભૂનિયા અને મમતા ઠાકુરનો સમાવેશ થતો હતો.