20 June, 2025 10:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઇન્ડિગો (પ્રતીકાત્મક તસવીર)
દેશમાં ઉડ્ડયન સલામતી વિશે ફરી સવાલો ઊભા થયા છે, કારણ કે ગઈ કાલે દેશની બે મોટી ઍરલાઇન્સની ફ્લાઇટોને ટેક્નિકલ ખામીને કારણે અધવચ્ચેથી જ પાછા ફરવું પડ્યું હતું. ઇન્ડિગો અને સ્પાઇસજેટની ફ્લાઇટ્સમાં સેંકડો મુસાફરો હતા, પરંતુ પાઇલટ્સની સતર્કતા અને ઍરલાઇન્સની ઝડપી કાર્યવાહીને કારણે બધા મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. દિલ્હીથી લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટ અને હૈદરાબાદથી તિરુપતિ જતી સ્પાઇસજેટની ફ્લાઇટને ટેક્નિકલ ખામીને કારણે પાછી વાળવામાં આવી હતી. ઍરલાઇન્સે મુસાફરોની સુવિધા માટે વૈકલ્પિક ફ્લાઇટ્સની વ્યવસ્થા કરી હતી અને પરિસ્થિતિ વિશે સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું. આ વિમાનના પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો અને એના કેટલાક વિડિયો સોશ્યલ મીડિયામાં ફરતા થયા હતા.
લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટ દિલ્હી પાછી આવી
ગઈ કાલે સવારે ૬.૩૦ વાગ્યે દિલ્હીથી લેહ જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 2006ને ટેક્નિકલ ખામીને કારણે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર પાછા ફરવું પડ્યું હતું. આ વિમાનમાં કુલ ૧૮૦ લોકો સવાર હતા જેમાં ક્રૂ-મેમ્બરનો પણ સમાવેશ થાય છે. આ વિમાન સામાન્ય રીતે ઉડાન ભરી રહ્યું હતું, પરંતુ લેહ પહોંચતાં પહેલાં જ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. ત્યાર બાદ પાઇલટે વિમાનને દિલ્હી પાછું વાળવાનો નિર્ણય લીધો હતો. વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યું હતું. ઇન્ડિગો ઍરલાઇન્સે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ‘આ ઇમર્જન્સી લૅન્ડિંગ નહોતું. તમામ મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ સાવચેતીભર્યું પગલું લેવામાં આવ્યું છે.’ ઍરલાઇને એક વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરીને મુસાફરોને લેહ મોકલ્યા હતા.
તિરુપતિ જતી સ્પાઇસજેટની ફ્લાઇટ હૈદરાબાદ પાછી આવી
૮૦ મુસાફરોને લઈને હૈદરાબાદથી તિરુપતિ જતી સ્પાઇસજેટની ફ્લાઇટ SG 2696માં ગઈ કાલે ટેક્નિકલ ખામી સર્જાતાં એ હૈદરાબાદ ઍરપોર્ટ પર પાછી ફરી હતી. શમશાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટથી સવારે ૬.૧૦ વાગ્યે આ વિમાને તિરુપતિ માટે ઉડાન ભરી હતી. જોકે થોડી વાર પછી પાઇલટે ટેક્નિકલ ખામી જોયા બાદ તરત જ ઍર ટ્રાફિક કન્ટ્રોલનો સંપર્ક કર્યો અને ઍરપોર્ટ પર પાછા ફરવાની પરવાનગી માગી હતી. વિમાનને રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછું ઉતારવામાં આવ્યું હતું. ઍરલાઇને મુસાફરોને તિરુપતિ લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી. સ્પાઇસજેટે સ્પષ્ટતા કરી કે આ કટોકટી નથી, પરંતુ સાવચેતીનાં પગલાં તરીકે લેવામાં આવ્યું છે.