ભારતનો વિદેશી મુદ્રા ભંડાર રેકૉર્ડબ્રેક ૫૯૦ અબજ ડૉલર પર પહોંચ્યો

07 February, 2021 02:39 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતનો વિદેશી મુદ્રા ભંડાર રેકૉર્ડબ્રેક ૫૯૦ અબજ ડૉલર પર પહોંચ્યો

પ્રતીકાત્મક તસવીર

દેશનો વિદેશી મુદ્રા ભંડાર હવે રેકૉર્ડબ્રેક સ્તરે પહોંચી ચૂક્યો છે. ૨૯ જાન્યુઆરીએ સમાપ્ત થયેલા સપ્તાહ દરમ્યાન દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ૪.૮૫ અબજ ડૉલરનો વધારો થયા બાદ હવે એ ૫૯૦ અબજ ડૉલર પર પહોંચ્યો છે.

ભારતીય રિઝર્વ બૅન્કના આંકડા પ્રમાણે આ પહેલાં ૨૨ જાન્યુઆરીએ દેશ પાસે ૫૮૫ અબજ ડૉલરનું વિદેશી ચલણ હતું, જેમાં ફરી એક વખત વધારો થયો છે.

વિદેશી મુદ્રા ભંડાર દેશની બૅન્કો દ્વારા જમા કરાવાતી રકમ કે બીજા સ્વરૂપે હોય છે, જેનો ઉપયોગ જરૂર પડ્યે વિદેશી દેવું ચૂકવવામાં થાય છે. વિદેશી મુદ્રા ભંડારની રકમ દેશની ઇકૉનૉમીની હાલત પણ દર્શાવતી હોય છે.

ઉલ્લેખનીય છે કે ૧૯૯૧માં ભારતે પૈસા એકઠા કરવા માટે સોનું ગીરવી મૂકવું પડ્યું હતું. ૪૦ કરોડ ડૉલર મેળવવા માટે ભારતે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ પાસે ૪૭ ટન સોનું ગીરવી મૂક્યું હતું.

જોકે હવે ભારત પાસે એટલો વિદેશી મુદ્રા ભંડાર છે કે એક વર્ષની આયાતનું બિલ સરળતાથી ચૂકવી શકાય એમ છે. વિદેશી મુદ્રા ભંડાર પૂરતો હોવાને કારણે સરકાર સૈન્ય-સરંજામ જેવી તાત્કાલિક ખરીદી માટેના નિર્ણય પણ સરળતાથી લઈ શકે છે.

national news