અમેરિકામાં નાણાકીય છેતરપિંડી બદલ બે ભારતીયો સામે કાર્યવાહી

14 November, 2014 05:58 AM IST  | 

અમેરિકામાં નાણાકીય છેતરપિંડી બદલ બે ભારતીયો સામે કાર્યવાહી


ઊંચા રોકાણની ખાતરી આપતી છેતરપિંડીયુક્ત ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ ચલાવવા બદલ અમેરિકાના સત્તાવાળાઓએ બે ભારતીયો સામે કાર્યવાહી હાથ ધરી છે. આ બન્નેએ ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટર જેવાં સોશ્યલ મીડિયા પર લલચામણી ઑફર્સ મારફતે રોકાણકારોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો.

અમેરિકાના સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશનના એન્ર્ફોસમેન્ટ ડિવિઝને આક્ષેપ કર્યો હતો કે મુંબઈના રહેવાસી પંકજ શ્રીવાસ્તવ અને હૈદરાબાદના રહેવાસી નટરાજ કાવુરી પ્રૉફિટ્સ પૅરેડાઇઝ નામની તેમની ઇન્વેસ્ટમેન્ટ મૅનેજમેન્ટ કંપની મારફતે દૈનિક નફાની ખાતરી સાથે રોકાણકારોને લલચાવતા હતા.

આ બન્નેએ એક વેબસાઇટ અને સોશ્યલ મીડિયા સાઇટ્સ પણ બનાવી હતી. આ વેબસાઇટ્સના રજિસ્ટ્રેશન માટે પંકજ શ્રીવાસ્તવ અને નટરાજ કાવુરીએ ખોટાં નામ તથા કૉન્ટૅક્ટ ઇન્ફર્મેશન આપીને પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બન્ને પૉલ ઍલન અને નૅથન જોન્સનાં ખોટાં નામે કામકાજ કરતા હતા.

સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને તપાસ શરૂ કરી એ પછી તે બન્નેએ વેબસાઇટ બંધ કરી નાખી હતી. તેમની વેબસાઇટ પર રોજ ૪૦૦૦થી વધુ વિઝિટર્સ નોંધાતા હતા.

સૉફ્ટવેર એન્જિનિયરમાંથી ઇન્ટરનેટ માર્કેટિયર બનેલા પંકજ શ્રીવાસ્તવે આ સ્કીમ બનાવી હતી અને તેના મિત્ર નટરાજ કાવુરીએ પ્રૉફિટ્સ પૅરેડાઇઝની વેબસાઇટનું ડિઝાઇનિંગ તથા માર્કેટિંગ કર્યું હતું.