રેલવેએ 30 જૂન સુધી બુક થયેલી બધી જ ટિકિટોનું બુકિંગ કેન્સલ કર્યું

14 May, 2020 03:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રેલવેએ 30 જૂન સુધી બુક થયેલી બધી જ ટિકિટોનું બુકિંગ કેન્સલ કર્યું

પ્રતિકાત્મક તસવીર

ભારતીય રેલવે તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને જાહેર કર્યું છે કે, 30 જૂન સુધી બધી જ ટ્રેનોની ટિકિટ કેન્સલ કરી દેવામાં આવી છે. આ નિર્ણય પરથી એવું અનુમાન લગાવી શકાય કે, 30 જૂન સુધી ટ્રેનની સામાન્ય સેવાઓ શરૂ નહીં થાય. સામાન્ય રીતે ટ્રેનની ટિકિટ્સ 120 દિવસ પહેલા બુક કરી શકાય છે. એટલે લોકડાઉન પહેલા જ ઘણી ટિકિટ બુક કરવામાં આવી હતી.

રેલવેએ આપેલી માહિતિ મુજબ, 30 જૂન સુધી બુક થયેલી બધી જ ટિકિટોનું બુકિંગ કેન્સલ કરવામાં આવ્યું છે અને પ્રવાસીઓને બુક કરાવેલી ટિકિટના બધા જ પૈસા રિફન્ડ મળશે. આઈઆરસીટીસી તેમને બધા જ પૈસા જલ્દી આપી દેશે એટલે તેમને ચિંતા કરવાની જરૂર નથી. દરમ્યાન ફક્ત શ્રમિક ટ્રેનો અને સ્પેશ્યલ ટ્રેનો જ દોડશે.

22મી માર્ચથી દેશમાં ટ્રેન સેવા બંધ છે. પ્રથમ લૉકડાઉનની જાહેરાત બાદ બધાએ લૉકડાઉન પછીની ટિકિટો લોકોએ બુક કરાવી દીધી હતી. પરંતુ લૉકડાઉન 2.0ની જાહેરાત થઈ હત અને બધી જ ટ્રેનો બંધ થઈ જતા લોકોના પૈસા અટવાઈ ગયા હતા. આ તમામ ટિકિટોને કેન્સલ કરી દેવામાં આવી છે અને રૂપિયા રિફંડ કરવામાં આવશે તેની જાહેરાત રેલવેએ કરી છે.

સ્પેશ્યલ ટ્રેનોની વાત કરીએ તો, એસી સ્પેશિયલ ટ્રેન શરૂ કર્યા બાદ રેલવે ઝડપથી મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ કરી શકે તેવા એંધાણ છે અને રેલવેએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રેલવેએ બુધવારે બહાર પાડેલા આદેશ મુજબ, 22 મેથી સ્પેશિયલ એસી ટ્રેનોની સાથે બીજી ટ્રેનોમાં પણ વેટિંગ લિસ્ટવાળી ટિકિટ ઈસ્યુ કરવામાં આવશે. પરંતુ આરએસસી વાળી ટિકિટો હાલ ઈશ્યુ નહીં કરવામાં આવે. રેલવેએ ફર્સ્ટ એસસીમાં 20 અને સ્લીપરમાં વધારેમાં વધારે 200 ટિકિટો સુધી વેટિંગ ટિકિટ બુક કરાવાની મંજૂરી આપી છે. તેમજ ચેર કાર, એક્ઝિક્યુટિવ કલાસ, સેકન્ડ એસી અને થર્ડ એસીમાં વેટિંગ ટિકિટ બુક કરાવી શકાશે. આ નવી વ્યવસ્થાઓ 15 મેથી બુક થનારી ટિકિટો પર લાગુ થશે.

બુધવારે રેલવેએ આપેલી ગાઈડલાઈન મુજબ, કોરોનાના લક્ષણના કારણે જે લોકોને ટ્રેનમાં મુસાફરી કરતા અટકાવવામાં આવશે તેમને સંપૂર્ણ ટિકિટના પૈસા રિફન્ડ કરવામાં આવશે. કન્ફર્મ ટિકિટ ધરાવતા પેસેન્જરમાં પણ જો સ્ક્રીનિંગ દરમિયાન કોરોનાના લક્ષણ દેખાય તો તેને મુસાફરી કરવાની પરવાનગી આપવામાં નહીં આવે. આવી પરિસ્થિતમાં વ્યકતિની ટિકિટ રદ કરવામાં આવશે અને રેલવે તેને પણ બધા પૈસા રિફન્ડ આપશે. જો ગ્રુપમાં ટ્રાવેલ કરનારાઓમાંથી કોઈ એક વ્યક્તિ સ્ક્રિનિંગમાં નાપાસ થાય અને તે પીએનઆર નંબર પર મુસાફરી કરનાર બીજા લોકો પણ પ્રવાસ કરવા નથી માંગતા તો પણ રેલવે તેમને ટિકિટના બધા પૈસા રિફન્ડ આપશે.

coronavirus covid19 lockdown national news indian railways irctc