આજથી સંસદનું શિયાળુ અધિવેશન

24 November, 2014 06:09 AM IST  | 

આજથી સંસદનું શિયાળુ અધિવેશન




આજથી લોકસભાનું શિયાળુ અધિવેશન શરૂ થશે એ પહેલાં ગઈ કાલે સાંજે સંસદીય કાર્યપ્રધાન વૈન્કયા નાયડુએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મમતા બૅનરજીની પાર્ટી TMC અને મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટી સિવાયની લગભગ તમામ પાર્ટીઓના નેતાઓ સાથે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે અધિવેશનમાં મુખ્યત્વે દેશમાં આર્થિક સુધારાઓને પ્રાધાન્ય અપાશે. પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું હતું કે સરકાર તમામ મુદ્દે ચર્ચા માટે તૈયાર છે. 

આ બેઠકમાં સૌથી વધુ ચર્ચા વીમા સેક્ટરમાં સીધા વિદેશી રોકાણની થઈ હતી. કૉન્ગ્રેસે લોકસભામાં કાળાં નાણાંનો મુદ્દો ઉઠાવવાની વાત કહી હતી; જ્યારે જનતા દળ યુનાઇટેડે ઇન્શ્યૉરન્સ બિલના મુદ્દે વિરોધ પક્ષોને એક કરવાનો પ્રયાસ કર્યો હતો.

બેઠક બાદ એવા સંકેતો મળ્યા હતા કે લોકસભાના અધિવેશનમાં વિરોધ પક્ષોએ સરકારને ઘેરવાની તૈયારી કરી છે. જનતા દળ યુનાઇટેડના પ્રવક્તા કે. સી. ત્યાગીએ કહ્યું હતું કે ‘લોકસભા અને રાજ્યસભામાં જનતા દળની તમામ ઘટક પાર્ટીઓ એકસૂરે બોલશે અને બન્ને ગૃહમાં અમારા નેતાની પણ પસંદગી કરાશે. સરકારને ઘેરવા માટે અમે કૉન્ગ્રેસની મદદ પણ માગીશું.’

શિવસેના તરફથી રાજ્યસભાના સભ્ય સંજય રાઉત આ બેઠકમાં હાજર હતા અને તેમણે સરકારની યોજનાઓમાં સહકાર જાહેર કર્યો હતો. વૈન્કયા નાયડુએ વિરોધ પક્ષોને તમામ મુદ્દે સરકાર ચર્ચા કરશે એવી ખાતરી આપી હતી. જ્યારે પ્રાઇમ મિનિસ્ટરે આશા વ્યક્ત કરી હતી કે બજેટ અધિવેશનની જેમ શિયાળુ અધિવેશન પણ ખૂબ જ કન્સ્ટ્રક્ટિવ અને શાંત-સહકારભર્યું રહેશે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને પશ્ચિમ બંગની મમતા બૅનરજી સરકાર વચ્ચે હાલમાં સંબંધો વણસેલા છે. આજથી લોકસભાનું અધિવેશન શરૂ થઈ રહ્યું છે એ પહેલાં કેન્દ્ર સરકારે ગઈ કાલે સાંજે બોલાવેલી સર્વ પક્ષીય બેઠકનો મમતા બૅનરજીની પાર્ટી તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)એ બહિષ્કાર કર્યો હતો. પશ્ચિમ બંગમાં સત્તાધારી TMCએ જાહેર કર્યું હતું કે UPSCની પરીક્ષામાં ભાષાવિવાદના મુદ્દે થનારી સર્વ પક્ષીય બેઠકનો પણ બહિષ્કાર કરીશું, પશ્ચિમ બંગનાં ચીફ મિનિસ્ટર મમતા બૅનરજીએ ધમકી ઉચ્ચારી હતી કે લોકસભાના શિયાળુ અધિવેશનમાં TMC કેન્દ્ર સરકારનો જોરદાર વિરોધ કરશે.

આજે પહેલા જ દિવસે વીમા ક્ષેત્રે ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની સરકારની નીતિના વિરોધમાં વ્પ્ઘ્ના સંસદસભ્યો ધરણા કરશે અને મોદી સરકારને વિદેશોમાં કાળાં નાણાંના મુદ્દે પણ ઘેરવામાં આવશે એમ પાર્ટી તરફથી જાહેર કરાયું હતું. પાર્ટીના પ્રવક્તા ડેરેક ઓ બ્રાયને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર ડરી ગઈ હોવાથી શૉર્ટ નોટિસમાં સર્વ પક્ષીય બેઠક બોલાવી હતી. રવિવારે બેઠક બોલાવવી એ સરકારનું ખરાબ પ્લાનિંગ પણ દર્શાવે છે, એનો અમારો વિરોધ છે. સારદા ચિટફન્ડ કાંડમાં વ્પ્ઘ્ના એક સંસદસભ્યની ધરપકડ બાદ નારાજ મમતા બૅનરજીએ તાજેતરમાં મોદી સરકાર બદલાની ભાવનાથી કામ કરી રહી હોવાના આક્ષેપો કરીને તાકાત હોય તો કેન્દ્ર સરકાર મમતા બૅનરજીને જેલમાં પૂરી દેખાડે એવી ચૅલેન્જ પણ કરી હતી.