નૌકાદળમાં વધુ એક સેક્સ-સ્કૅન્ડલથી ખળભળાટ

15 May, 2013 03:20 AM IST  | 

નૌકાદળમાં વધુ એક સેક્સ-સ્કૅન્ડલથી ખળભળાટ



ભારતીય નેવીમાં વધુ એક સેક્સ સ્કેન્ડલ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. કર્ણાટકના કરવાર નેવલ બેઝ પર તહેનાત નેવીના એક ઑફિસરની પત્નીએ પોતાના પતિ સામે જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. તેણે એવો દાવો કર્યો હતો કે ‘મારો પતિ મને આલ્કોહોલ પીવડાવીને સાથી ઑફિસરો સાથે સેક્સ કરવાની ફરજ પાડતો હતો.’ આ મહિલાએ સંરક્ષણપ્રધાનને મળીને ફરિયાદ કરી હતી.

નૌકા દળમાં વધુ એક સેક્સ સ્કેન્ડલથી નારાજ સંરક્ષણપ્રધાન એ. કે. ઍન્ટનીએ આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો. ગઈ કાલથી શરૂ થયેલી નેવી કમાન્ડરોની કૉન્ફરન્સમાં તેમણે આવી ઘટનામાં કસૂરવાર ઠરેલાઓને સખત સજા કરવા જણાવ્યું હતું. પોતાની સ્પીચમાં ઍન્ટનીએ કહ્યું હતું કે આવી ઘટનાઓને કારણે સૈન્યની ઇમેજ ખરડાય છે.

હજી થોડા સમય પહેલાં નેવીના અન્ય એક ઑફિસરની પત્નીએ પતિ સામે ઉપરી અધિકારી સાથે સેક્સની ફરજ પાડવામાં આવતી હોવાનો આરોપ મૂક્યો હતો. આ ઘટના કોચી નેવલ બેઝ પર બની હતી. એ પછી નૌકા દળે મુંબઈના એક ઑફિસરને લગ્નેતર સંબંધો બદલ તથા અન્ય એક ઑફિસરને મહિલાઓને બીભત્સ મેસેજ મોકલવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. થોડા સમય પહેલાં નેવીના ત્રણ અધિકારીઓને સીક્રેટ માહિતી ફેસબુક પર મૂકી દેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.