ભારતીય ભાષાના પુસ્તકને પહેલી વાર મળ્યો બુકર પુરસ્કારઃ આ નવલકથાને મળ્યું સન્માન

27 May, 2022 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ એવોર્ડ જીત્યા બાદ ઉત્તર પ્રદેશના મૈનપુરીની ગીતાંજલિ શ્રીએ કહ્યું કે તે ખૂબ જ ખુશ છે

ગીતાંજલિ શ્રી સાથે ડેઝી રોકવેલ. બુકર પ્રાઇઝની તસવીર/સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ

ભારતીય લેખિકા ગીતાંજલિ શ્રીની હિન્દી નવલકથા `રેત સમાધિ`ના અંગ્રેજી અનુવાદ `ટૉમ્બ ઑફ સેન્ડ`ને આ વર્ષનું બુકર પ્રાઈઝ મળ્યું છે. અમેરિકન લેખક-ચિત્રકાર ડેઇઝી રોકવેલે આ નવલકથાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. આ નવલકથા વિશ્વના તે 13 પુસ્તકોમાં સામેલ હતી, જેને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. ટૉમ્બ ઑફ સેન્ડ બુકર જીતનાર પ્રથમ હિન્દી ભાષાનું પુસ્તક છે. કોઈપણ ભારતીય ભાષામાં એવોર્ડ જીતનાર આ પ્રથમ પુસ્તક પણ છે.

આ એવોર્ડ જીત્યા બાદ ઉત્તર પ્રદેશના મૈનપુરીની ગીતાંજલિ શ્રીએ કહ્યું કે તે ખૂબ જ ખુશ છે. ખુશી વ્યક્ત કરતાં તેણીએ કહ્યું કે “મેં ક્યારેય બુકરનું સપનું જોયું ન હતું. હું આશ્ચર્યચકિત છું, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આ કરી શકીશ.” ગીતાંજલિ શ્રીએ અત્યાર સુધીમાં ત્રણ નવલકથાઓ અને કાલ્પનિક સંગ્રહો લખ્યા છે. તેમની નવલકથાઓ અને કાલ્પનિક સંગ્રહોનો અંગ્રેજી, જર્મન, સર્બિયન, ફ્રેન્ચ અને કોરિયન ભાષાઓમાં અનુવાદ થયો છે.

ડેઝી રોકવેલ દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત, આ નવલકથાનું મુખ્ય પાત્ર એક 80 વર્ષની મહિલા છે. બંનેને ઇનામ માટે £50,000 ($63,000) આપવામાં આવ્યા છે, જે બંને વચ્ચે સમાનરૂપે વિભાજિત કરવામાં આવશે. ગીતાંજલિ નવી દિલ્હીમાં રહે છે, જ્યારે રોકવેલ વર્મોન્ટમાં રહે છે.

આ પુસ્તકની સાથે વિશ્વભરમાંથી 13 પુસ્તકો એવોર્ડની રેસમાં હતા. અનુવાદક ફ્રેન્ક વિન, જેમણે જજ પેનલની અધ્યક્ષતા કરી હતી, જણાવ્યું હતું કે જજએ ઘણા વિચાર-વિમર્સ પછી બહુમતી મત દ્વારા `ટૉમ્બ ઑફ સેન્ડ` શીર્ષક માટે મત આપ્યો હતો.” તેમણે કહ્યું કે “તે ભારત અને વિભાજનની ચમકતી નવલકથા છે, જેની મંત્રમુગ્ધતા, કરુણા યુવાવસ્થા, સ્ત્રી-પુરુષ, પરિવાર અને રાષ્ટ્રને અનેક પરિમાણોમાં ઓળંગે છે.”

આ નવલકથા 1947માં ભારત અને પાકિસ્તાનના વિભાજન બાદ પોતાના પતિને ગુમાવનાર 80 વર્ષની વૃદ્ધ વિધવાની વાર્તા કહે છે. તે પછી તે ડીપ ડિપ્રેશનમાં જાય છે. ખૂબ સંઘર્ષ પછી તેણી તેના હતાશાને દૂર કરે છે અને ભાગલા દરમિયાન પાછળ રહી ગયેલા ભૂતકાળનો સામનો કરવા પાકિસ્તાન જવાનું નક્કી કરે છે.

યુકે અથવા આયર્લેન્ડમાં પ્રકાશિત નવલકથાના અનુવાદને દર વર્ષે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ આપવામાં આવે છે. તે અંગ્રેજી ભાષાના સાહિત્ય માટે બુકર પુરસ્કાર સાથે જોડાણમાં ચલાવવામાં આવે છે. અન્ય ભાષાઓમાં સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.

national news