ભારત સરકારે ચીનને આપ્યો ઝટકો : ૨૩૨ મોબાઈલ એપ કર્યા બ્લૉક

05 February, 2023 04:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સટ્ટાબાજી અને જુગાર સાથે સંકળાયેલા હતા આ એપ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ભારત સરકાર (Indian Government)એ ફરી એકવાર ચીન (China) પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. ભારત સરકારે ચીન સંબંધિત ૨૩૨ મોબાઈલ એપ્સ બ્લૉક કરી દીધા છે. આ તમામ એપ્સ સટ્ટાબાજી, જુગાર અને અનધિકૃત લોન સેવા સાથે સંકળાયેલી હતી જે ચીન સહિત વિદેશી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવી રહી હતી.

ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય (MeitY)એ ગૃહ મંત્રાલયની સૂચનાઓ બાદ ૨૩૨ એપ્સને બ્લૉક કરવાનો આદેશ આપ્યો છે. ચાર ફેબ્રુઆરીએ સાંજે જ સટ્ટાબાજી, જુગાર અને મની લોન્ડરિંગ જેવા ગેરરીતિઓમાં સામેલ ૧૩૮ એપ્સને બ્લૉક કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. પરંતુ તેની સાથે અનધિકૃત લોન સેવા સબંધિત ૯૪ એપ્સને બ્લૉક કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

ચીનની સાથે અન્ય ઘણી વિદેશી સંસ્થાઓ પણ આ તમામ એપ ચલાવી રહ્યાં હતાં. સરકારે આપેલી માહિતી અનુસાર, આ એપ્સ દેશની આર્થિક સ્થિરતા માટે ખતરો ઉભા કરે તેવા હોવી તેને બંધ કરવામાં આવ્યા છે. જો કે, સરકારે કયા ૨૩૨ એપ્સ બ્લૉક કર્યા છે તેની માહિતી હજુ સુધી મળી નથી.

આ પણ વાંચો - હવે લૅટિન અમેરિકામાં બીજું ચાઇનીઝ સ્પાય બલૂન જોવા મળ્યું

નોંધનીય છે કે, ગયા વર્ષે ભારત સરકારે ચીન સહિત વિવિધ દેશો દ્વારા બનાવવામાં આવેલ ૩૪૮ મોબાઈલ એપ્સને બ્લૉક કરી દીધા હતા. આ એપ્સ નાગરિકોની પ્રોફાઇલિંગ માટે યુઝરની માહિતી એકઠી કરવા અને તેને ખોટી રીતે વિદેશમાં મોકલવા માટે ગેરકાયદે કામ કરતાં હતાં.

આ પણ વાંચો - જે લોકો પબજી નહોતા રમતા તે હાલ મજા લઈ રહ્યા છે

આ સિવાય સરકારે સપ્ટેમ્બર ૨૦૨૦માં ડેટા સુરક્ષાની ચિંતાને કારણે ૧૧૭ ચાઈનીઝ એપ્સ બ્લૉક કર્યા હતા. તમને જણાવી દઈએ કે, બ્લૉક કરેલા એપ્સની આ યાદીમાં લોકપ્રિય ગેમ PUBG પણ સામેલ હતી. આ સિવાય સુરક્ષાના કારણોસર સરકારે કેમસ્કેનર જેવું લોકપ્રિય એપ પણ બ્લૉક કર્યું હતું.

national news india china indian government