ગૂગલ અને ઍપલને ટક્કર આપશે ભારત સરકાર

18 January, 2023 01:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટૂંક સમયમાં ઘરેલુ મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમ ક્રીએટ કરવામાં આવશે જે યુઝર્સ માટે વધુ સિક્યૉર હશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

નવી દિલ્હી ઃ ભારત સરકાર ઘરેલુ મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમ ક્રીએટ કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેનાથી યુઝર્સને વધુ સિક્યૉર એક્સ્પીરિયન્સ મળશે. સરકારના ટોચના એક અધિકારીએ જણાવ્યું હતું કે નવી ઇન્ડિયન ઑપરેટિંગ સિસ્ટમથી વધુ ચૉઇસ મળશે. સાથે જ હવે ગૂગલ અને ઍપલને હેલ્ધી કૉમ્પિટિશન પણ મળશે.

એક સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ‘ભારત સમગ્ર દુનિયામાં સૌથી વિશાળ મોબાઇલ ડિવાઇસ માર્કેટ્સમાં સામેલ છે. અમારો હેતુ સિક્યૉર ઑપરેટિંગ સિસ્ટમ ક્રીએટ કરવાનો છે. જે યુઝર્સને વધુ ચૉઇસ પૂરી પાડે. સાથે જ ભારતીય માર્કેટમાં ઍન્ડ્રૉઇડના વર્ચસ્વને કૉમ્પિટિશન પૂરી પાડે.’ 

અત્યારે ગૂગલના ઍન્ડ્રૉઇડનો ૯૭ ટકા હિસ્સો છે, જ્યારે ઍપલના આઇઓએસનો થોડો હિસ્સો છે. મોદી સરકાર પોતાની ઑપરેટિંગ સિસ્ટમને શરૂઆતમાં indos કહેશે. અધિકારીઓ ઇચ્છે છે કે ઍપ્સને ડાઉનલોડ કરવી યુઝર્સ માટે સુર​ક્ષિત રહે.

જોકે ઍન્ડ્રૉઇડ ફોન મેકર્સ યુઝર્સને સિક્યૉરિટી પૂરી પાડતી નથી. કંપની કહે છે કે તેઓ માત્ર ડિવાઇસિસનું ઉત્પાદન કરે છે. indos એ ખૂબ મહત્ત્વનું પગલું છે, કેમ કે આ પહેલાં કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાએ ઍન્ડ્રૉઇડ પ્લેસ્ટોર પૉલિસીના માધ્યમથી પોતાના વર્ચસ્વનો કથિત રીતે દુરુપયોગ કરવા બદલ પહેલાં જ ગૂગલને દંડ ફટકાર્યો છે. ભારતીય મોબાઇલ ફોન મૅન્યુફૅક્ચરર્સે સ્વદેશી ઑપરેટિંગ સિસ્ટમની પહેલને સપોર્ટ આપ્યો છે. 

ઍન્ડ્રૉઇડ ફોન મેકર્સ સિક્યૉરિટીના મામલે સતત ફ્લૉપ રહ્યા છે. બીજી તરફ દેશી ઍન્ડ્રૉઇડ ઑપરેટિંગ સિસ્ટમ યુઝર્સને વધારે સિક્યૉરિટી પૂરી પાડશે, જેનાથી ગૂગલને પણ કદાચ પોતાની પૉલિસીમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે.

national news technology news indian government apple google new delhi