બીબીસીની મોદીવિરોધી ડૉક્યુમેન્ટરીના સોર્સના મૂળમાં વોટબૅન્કનું પૉલિટિક્સ

23 January, 2023 10:22 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ ડૉક્યુમેન્ટરીના મૂળમાં બ્રિટન સરકારના વિદેશ મંત્રાલયનો આંતરિક રિપોર્ટ છે, જેને એ સમયના ફૉરેન સેક્રેટરી જેક સ્ટ્રૉ દ્વારા તૈયાર કરાયો હતો, સ્ટ્રૉના મતવિસ્તારમાં મોટી સંખ્યામાં મૂળ ગુજરાતના મુસ્લિમો હોવાનું બહાર આવ્યું

કિરેન રિજિજુ, કેન્દ્રીય પ્રધાન

નવી દિલ્હી : પીએમ નરેન્દ્ર મોદી પર બનેલી ડૉક્યુમેન્ટરી ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’નો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. હવે આ ડૉક્યુમેન્ટરીમાં એને તૈયાર કરનારાઓને આપવામાં આવેલી ક્રેડિટ્સ જોતાં જણાય છે કે એ મહદંશે આઉટસાઇડ પ્રોડક્શન છે. જેને બીબીસી કરન્ટ અફેર્સ ટેલિવિઝન દ્વારા તૈયાર કરાવવામાં આવી હતી. કેવી રીતે આવા પ્રોગ્રામ્સ તૈયાર થાય છે એની જાણકારી ધરાવતા બીબીસીના એક પત્રકારને ટાંકીને એક રિપોર્ટમાં આવો દાવો કરવામાં આવ્યો છે.

પહેલી નજરે તો એમ જ જણાય કે આ પ્રોગ્રામ તૈયાર કરવામાં કોઈ પાકિસ્તાની કે મુસ્લિમોનો પ્રભાવ નથી. જોકે કેટલાક ક્રિટિક્સ કહે છે કે નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના હેતુથી જ આ ડૉક્યુમેન્ટરી બનાવવામાં આવી છે. વળી એના મૂળમાં વોટબૅન્કનું પૉલિટિક્સ પણ છે.

આ સિરીઝને રિચર્ડ કુકસન દ્વારા પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવામાં આવી છે. જેના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર માઇક રેડફૉર્ડ હતા. આ બન્નેને જેક સ્ટ્રૉ દ્વારા તૈયાર કરાવવામાં આવેલા બ્રિટન સરકારના વિદેશ મંત્રાલયનો આંતરિક રિપોર્ટ મળ્યો હતો. જેને આધારે આ ડૉક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી હતી. આ બાબત બીબીસીના ન્યુઝ સેક્શનની સાથે શૅર કરવામાં નહોતી આવી. ગુજરાતમાં ૨૦૦૨માં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં ત્યારે ટોની બ્લેર યુકેના પીએમ હતા. બ્લેરના સમયગાળામાં સ્ટ્રૉ ફૉરેન સેક્રેટરી હતા.  

આ પણ વાંચો : ટાઇમિંગના કારણે બીબીસીની ડૉક્યુમેન્ટરી કાવતરું જણાય છે

સ્ટ્રૉ બ્લૅકબર્નથી સંસદસભ્ય હતા. આ મતવિસ્તારમાં મોટા ભાગે મુસ્લિમોની વસ્તી છે. એટલે તેઓ રાજકીય રીતે વોટબૅન્કના પૉલિટિક્સને કારણે દબાણ અનુભવતા હતા. જોકે તેઓ ફૉરેન સેક્રેટરી હોવાને કારણે તેમને ખ્યાલ હતો કે ભારત એક મહત્ત્વનો દેશ છે.

સ્ટ્રૉએ રમખાણોની અસામાન્ય તપાસ વિશે કહ્યું હતું કે ‘સિમ્પલ હકીકત એ છે કે બ્રિટનમાં મારા મતવિસ્તારમાં ગુજરાતમાંથી હજારો લોકો હતા, જેમાંથી મોટા ભાગના મુસ્લિમો હતા. તેમનામાં ખૂબ જ ચિંતા ફેલાઈ હતી. હું એવા અનેક લોકોને જાણતો હતો કે જેમના પરિવારોને સીધી રીતે આ કોમી રમખાણોથી અસર થઈ હતી અને તેઓ અમને રજૂઆત કરી રહ્યા હતા. આ જ કારણે એ સમયના હાઈ કમિશનરે આ તપાસનો આદેશ આપ્યો હતો.’

એક ઇન્ટરવ્યુમાં તેમણે વધુ કહ્યું હતું કે ‘મેં વાજપેયી સરકારની સાથે વાત કરી હતી, ખાસ કરીને એ સમયના વિદેશપ્રધાન જસવંત સિંહની સાથે. જેમની સાથે મારા ખૂબ સારા સંબંધો હતા.’

"ભારતમાં કેટલાક લોકો બીબીસીને ભારતની સુપ્રીમ કોર્ટથી સર્વોપરી માને છે અને પોતાના મોરલ માસ્ટર્સને ખુશ રાખવા માટે દેશની ગરિમા અને છબિને નુકસાન પહોંચાડવા કોઈ પણ હદે જઈ શકે છે." : કિરેન રિજિજુ, કેન્દ્રીય પ્રધાન

national news new delhi great britain narendra modi indian government bbc