18 February, 2026 09:56 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગેરકાયદે તેલ-વેપાર પર કડક કાર્યવાહી કરીને ભારતે આ મહિને ભારતીય સમુદ્ર સરહદમાં પ્રવેશેલાં ઈરાનનાં એવાં ૩ ઑઇલ-ટૅન્કરોને જપ્ત કર્યાં હતાં જેમના પર અમેરિકાએ પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઑઇલ-ટૅન્કરો તેમની ઓળખ છુપાવવા માટે વારંવાર નામ અને ઝંડો બદલી રહ્યાં હતાં. તેમની શંકાસ્પદ ગતિવિધિની તપાસ કર્યા બાદ તેમને મુંબઈ લાવવામાં આવ્યાં હતાં. જોકે ઈરાનની રાષ્ટ્રીય તેલ કંપની નૅશનલ ઈરાનિયન ઑઇલે ટૅન્કરો સાથે કોઈ પણ જોડાણ હોવાનો ઇનકાર કર્યો છે.
આ ૩ ટૅન્કરના માલિકો વિદેશમાં રહે છે. આ ટૅન્કરો સમુદ્રની મધ્યમાં અન્ય જહાજોમાં તેલ સ્થાનાંતરિત કરીને મોટા પ્રમાણમાં સસ્તાં તેલ અને તેલઆધારિત કાર્ગોની દાણચોરી કરતાં હતાં. આ જહાજો તેમની ઓળખ છુપાવવા માટે વારંવાર તેમનાં નામ, ધ્વજ અને અન્ય ઓળખ બદલતાં હતાં. ભારતીય કોસ્ટ ગાર્ડ ટીમે ઇલેક્ટ્રૉનિક ડેટા, દસ્તાવેજોની તપાસ કરીને અને ક્રૂ-સભ્યોની પૂછપરછ કરીને ગુનેગારોની મોડસ ઑપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો.
ભારતીય કોસ્ટ ગાર્ડે એના દરિયાઈ વિસ્તારોમાં ૨૪ કલાક દેખરેખ રાખવા માટે આશરે પંચાવન જહાજો અને ૧૦થી ૧૨ વિમાનો તહેનાત કર્યાં છે. ગયા મહિને જ કોસ્ટ ગાર્ડે એક આંતરરાષ્ટ્રીય તેલ-દાણચોરીના રૅકેટને અટકાવ્યું હતું. નિષ્ણાતો કહે છે કે આ કાર્યવાહી માત્ર ગેરકાયદે તેલ-દાણચોરી અટકાવવા માટે મહત્ત્વપૂર્ણ નથી, ભારત-અમેરિકા સહયોગ અને દરિયાઈ ક્ષેત્રમાં કડક દેખરેખનો સંદેશ પણ સ્પષ્ટપણે આપે છે.