ભારતીય કાર્ગો શિપ ક્રૂ મેમ્બરો સહિત સ્વદેશ માટે રવાના

10 January, 2021 03:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતીય કાર્ગો શિપ ક્રૂ મેમ્બરો સહિત સ્વદેશ માટે રવાના

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીના ઉદભવ સ્થાન ચીનના બંદર પર ૧૩ જૂનથી અટવાયેલું ભારતીય કાર્ગો શિપ અને ૨૩ ભારતીય ચાલકદળ સહિત સ્વદેશ પાછું ફરી રહ્યું છે. પોર્ટ, શિપિંગ ઍન્ડ વૉટરવેયસ પ્રધાન મનસુખ માંડવિયાએ શનિવારે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું કે ચીનના જિંગટાંગ પોર્ટ પરથી એમ. વી. જગ જહાજ જપાનના ચિબા પોર્ટ તરફ રવાના થઈ ચૂક્યું છે અને ૧૪ જાન્યુઆરીએ જપાન પહોંચશે. જપાનમાં કોરોના પ્રોટોકૉલ્સની પ્રક્રિયાને પૂર્ણ કરીને કાર્ગો શિપ ભારત પરત ફરશે.

કેન્દ્રિય પ્રધાન માંડવિયાએ આ અંગે ટ્‌વીટમાં લખ્યું હતું કે ચીનમાં ફસાયેલા આપણા સીફર્સ ભારત પરત આવી રહ્યા છે. જહાજ એમ. વી. જગ જેની પર ૨૩ ભારતીય ચાલકદળ છે, ચીનમાં ફસાયું હતું. એ હવે જપાનના ચિબા તરફ રવાના થયું છે. ત્યાર બાદ એ ભારત પહોંચશે.

૧૪ જાન્યુઆરીએ જપાન પહોંચ્યા પછી કાર્ગો શિપના ચાલકદળને બદલવામાં આવશે, જે પછી તે ભારત માટે રવાના થશે. ચીની પ્રશાસને કોરોના મહામારીને લીધે દેશભરનાં બંદરો પર ચાલકદળ બદલાવાની મંજૂરી આપી નહીં.

national news