21 November, 2025 09:28 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પોતાનાં પાંચ નવજાત બચ્ચાંઓ સાથે મુખી.
મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં ભારતીય મૂળની મુખી નામની માદા ચિત્તાએ પાંચ સ્વસ્થ બચ્ચાંઓને જન્મ આપ્યો છે. આ ક્ષણ ભારત માટે ગર્વની છે. પહેલી વાર ભારતમાં જન્મેલા ચિત્તાની પ્રજનનની સાઇકલ સફળ થઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે મુખી આ સ્થાનીય ક્ષેત્રમાં કુદરતી અનુકૂલન સાધી શકી હોવાથી એ ભારતની પહેલી પ્રજનનક્ષમ માદા ચિત્તા બની છે. આ ઉપલબ્ધિ દર્શાવે છે કે ભારત ચિત્તાઓની સંખ્યા વધારવા બાબતે આત્મનિર્ભર થઈ શકે છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે સોશ્યલ મીડિયા પર આ સફળતાની ઘોષણા કરતાં કહ્યું હતું કે મા અને પાંચેય બચ્ચાં સ્વસ્થ અને મજામાં છે.
મુખી કોણ છે?
મુખી ૩૩ મહિના પહેલાં કુનો નૅશનલ પાર્કમાં જન્મી હતી. સાઉથ આફ્રિકાથી લાવેલી માદા ચિત્તાએ ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો હતો, પરંતુ એમાંથી બે બચ્ચાં જીવી શક્યાં નહોતાં. મુખી પણ જ્યારે જન્મી ત્યારે ખૂબ નાજુક, નાની અને કમજોર હતી.