સરકારનો મત, વિદેશી બૅન્કોમાંનાં બધાં જ ખાતાં કંઈ ગેરકાયદે ન હોય

28 October, 2014 05:41 AM IST  | 

સરકારનો મત, વિદેશી બૅન્કોમાંનાં બધાં જ ખાતાં કંઈ ગેરકાયદે ન હોય


હું નિર્દોષ : કેન્દ્ર સરકારે વિદેશી બૅન્કોમાં કાળાં નાણાં જમા કરવા સંબંધે જે આઠ જણનાં નામ સુપ્રીમ કોર્ટને આપ્યાં છે તે પૈકીના એક રાધા ટિમ્બ્લોએ ગઈ કાલે પણજીમાં પત્રકારો સાથે વાત કરી હતી.




કેન્દ્ર સરકારે કાળાં નાણાંના કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ ગઈ કાલે એક સોગંદનામું દાખલ કર્યું હતું. એમાં ડાબર જૂથના ભૂતપૂર્વ હોલટાઇમ ડિરેક્ટર પ્રદીપ બર્મન સહિત આઠ જણનાં નામ આપવામાં આવ્યાં છે. રાજકોટના બુલિયન ટ્રેડર પંકજ ચીમનલાલ લોઢિયા અને ગોવામાં ખાણ ઉદ્યોગ સાથે સંકળાયેલાં રાધા એસ. ટિમ્બ્લો અને તેમની માઇનિંગ કંપની ટિમ્બ્લો પ્રાઇવેટ લિમિટેડના પાંચ ડિરેક્ટર્સનો પણ એ આઠમાં સમાવેશ છે.

કેન્દ્ર સરકારે અદાલતને જણાવ્યું હતું કે આ નામો ફ્રેન્ચ સત્તાવાળાઓ અને અન્ય દેશો પાસેથી મળ્યાં છે. જે ભારતીયોએ વિદેશી બૅન્કોમાં નાણાં જમા કરાવ્યાં છે તેમનાં નામો ગુપ્ત રાખવાનો સરકારનો કોઈ ઇરાદો નથી. કરચોરી થયાનું સ્થાપિત થશે એવા તમામ કેસમાં વિદેશી સરકારો પાસેથી મળેલી માહિતી જાહેર કરવામાં આવશે.

બધાં અકાઉન્ટ્સ ઇલીગલ નહીં

૧૦ પાનાંના ઍફિડેવિટમાં સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીયોનાં વિદેશી બૅન્કોમાંનાં બધાં અકાઉન્ટ્સ ગેરકાયદે ન હોય. કંઈ ખોટું થયાના પ્રારંભિક પુરાવા ન મળે ત્યાં સુધી બધાં નામો જાહેર ન કરી શકાય. બંધારણની કલમ-ક્રમાંક ૩૨(૧) હેઠળની કાર્યવાહી દરમ્યાન પણ માહિતી અને દસ્તાવેજો દર્શાવી ન શકાય.

કાયદાનું અનુસરણ

સરકારે આ સોગંદનામામાં એમ પણ જણાવ્યું હતું કે કરચોરી થયાનું સ્થાપિત થશે એ તમામ કેસમાં કર સંધિઓ અને કરાર હેઠળ મળેલી તમામ માહિતી યોગ્ય કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને જાહેર કરવામાં આવશે. હાલની સરકારનો અભિગમ એકદમ સ્પષ્ટ છે. વિદેશમાં સંઘરાયેલું ભારતીય કાળું નાણું શોધી કાઢવા માટે સરકાર રાજદ્વારી અને કાયદાકીય વ્યવસ્થાનો ઉપયોગ પણ કરશે.

સ્વિસ સત્તાવાળા તૈયાર

ભારતીય આવકવેરા ખાતાએ તપાસ કરી હોય એવા તમામ કેસોમાં કાળાં નાણાં વિશેની માહિતી પૂરી પાડવાની તૈયારી સ્વિટ્ઝરલૅન્ડ સરકારે દેખાડી છે એમ જણાવતાં સરકારે ઉમેર્યું હતું કે આ તૈયારી મહત્વની બાબત છે, કારણ કે આવકવેરા ખાતાએ બીજા અનેક ખાતાધારકોની તપાસ સ્વતંત્ર રીતે પણ કરી હતી. સ્વિસ ફેડરલ ટૅક્સ ઍડ્મિનિસ્ટ્રેશન ભારતમાંના એના સમોવડિયા સત્તાધીશોને ખાતાધારકોની પ્રમાણભૂતતા સાબિત કરાવવામાં મદદ કરવા તૈયાર થયું છે.

કંપની કે ડિરેક્ટર્સ?

બર્મનનું નામ ફ્રેન્ચ સત્તાવાળાઓ તરફથી મળ્યું હતું, જ્યારે લોઢિયાનું નામ અન્ય દેશો તરફથી મળ્યું હતું. સરકારે ટિમ્બ્લો પ્રાઇવેટ લિમિટેડ અને એના પાંચ ડિરેક્ટર્સ રાધા સતીશ ટિમ્બ્લો, ચેતન એસ. ટિમ્બ્લો, રોહન એસ. ટિમ્બ્લો, અન્ના સી. ટિમ્બ્લો અને મલ્લિકા આર. ટિમ્બ્લોનાં નામ આ લિસ્ટમાં આપ્યાં છે. કંપની અકાઉન્ટહોલ્ડર છે કે એના ડિરેક્ટર્સ એની સ્પષ્ટતા કરવામાં નથી આવી.

બર્મનની ચોખવટ

સર્વોચ્ચ અદાલતમાં નામ આપવામાં આવ્યાના થોડા સમય બાદ જ ડાબર ઇન્ડિયાના પ્રમોટર ફૅમિલી બર્મન્સના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘પ્રદીપ બર્મન બિનનિવાસી ભારતીય હતા અને તેમને વિદેશી બૅન્કમાં અકાઉન્ટ ખોલાવવાની કાયદેસર છૂટ હતી ત્યારે ખાતાં ખોલાવવામાં આવ્યાં હતાં. અમે આ પ્રક્રિયામાં તમામ કાયદાનું પાલન કર્યું છે અને એની સંપૂર્ણ માહિતી આવકવેરા વિભાગને સ્વૈચ્છિક રીતે પૂરી પાડી છે તેમ જ યોગ્ય કર પણ ચૂકવ્યો છે.’

ટિમ્બ્લોનો પ્રતિભાવ

ગોવાના ખાણ ઉદ્યોગ સાથે સંકળાયેલાં રાધા ટિમ્બ્લોએ કહ્યું હતું કે ‘મેં ઍફિડેવિટ જોઈ નથી. એ બાબતે હું કંઈ કહું એ પહેલાં મારે એનો અભ્યાસ કરવો પડે. તમારી પાસે ઍફિડેવિટ છે? તમે એ મને દેખાડી શકો એમ છો?’

ગોવામાં ગેરકાયદે ખાણકામની તપાસ કરવા નિમાયેલી સત્તાધારી સમિતિના અહેવાલમાં તેમ જ ન્યાયમૂર્તિ એમ. બી. શાહના અહેવાલમાં ટિમ્બ્લો તથા તેમની કંપનીનું નામ ચમક્યું હતું. 

જેઠમલાણીનો આક્ષેપ


સુપ્રીમ કોર્ટમાં બ્લૅક મનીનો મુદ્દો ઉઠાવી ચૂકેલા સિનિયર ઍડ્વોકેટ રામ જેઠમલાણીએ ગઈ કાલે નરેન્દ્ર મોદી સરકાર પર અગાઉની યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકારે ભરેલાં પગલાંથી પાછા હટવાનો આક્ષેપ કર્યો હતો.

જેઠમલાણીએ કહ્યું હતું કે ‘કાળાં નાણાં વિશેના જુલાઈ-૨૦૧૧ના ચુકાદા પછી કેન્દ્રની UPA સરકારે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના બાબતે આદેશ માગ્યો હતો, પણ લિન્ચેન્સ્ટાઇન બૅન્કે અકાઉન્ટ્સ બાબતે કોઈ સ્પષ્ટતા માગી નહોતી. આજની મોદી સરકાર અગાઉના એના વલણમાંથી પારોઠનાં પગલાં ભરી રહી છે અને એ ચુકાદાનાં ત્રણ વર્ષ પછી સ્પષ્ટતા માગી રહી છે.’