IAFમાં એપ્રિલ સુધી વધુ 16 રાફેલ વિમાન સામેલ થશે

28 October, 2020 05:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IAFમાં એપ્રિલ સુધી વધુ 16 રાફેલ વિમાન સામેલ થશે

ફાઈલ ફોટો

ઈન્ડિયન એર ફોર્સ (IAF)ની ક્ષમતામાં સતત વધારો થઈ રહ્યો છે, એવામાં સમાચાર છે કે હજી 16 રાફેલ વિમાન એપ્રિલ સુધીમાં આઈએએફના કાફલામાં જોડાશે.

ભારતને આગામી એપ્રિલ મહિના સુધીમાં કુલ 21 રાફેલ વિમાનોની ડિલિવરી મળી જશે. જેથી ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેકગણો વધારો થશે. હાલમાં ભારતને ફ્રાંસે પાંચ રાફેલ વિમાનો આપી દીધી છે.જે વાયુસેનામાં સામેલ પણ થઈ ગયા છે.

અન્ય 16 વિમાનો પણ એપ્રિલ મહિના સુધીમાં ભારત આવી જશે.આ પૈકીના 3 વિમાનો તો ફ્રાંસ દ્વારા ભારતને નવેમ્બર મહિનામાં આપી દેવાશે.ભારતે ફ્રાંસ સાથે કુલ 36 વિમાનોનો સોદો કર્યો છે.ફ્રાંસે વિમાનોની ડિલિવરી ઝડપથી કરવા માંડી હોવાથી વાયુસેનાની તાકાત અને ક્ષમતા વધી રહી છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે નવેમ્બરમાં આવનારા ત્રણ વિમાનોને પણ ગોલ્ડન એરો સ્કવોડ્રનમાં સામેલ કરવામાં આવશે.આ પહેલા 29 જુલાઈએ પાંચ રાફેલ વિમાનો અંબાલા એરબેઝ પહોંચ્યા હતા.બીજા ત્રણ વિમાનોનુ પાંચ નવેમ્બરે ભારતમાં આગમન થશે.આ વિમાનો ફ્રાંસથી ઉડીને સીધા અંબાલા પહોંચશે.હવામાં જ રિફ્યુલિંગ થવાના કારણે વિમાનોને કોઈ જગ્યાએ ઉતરાણ કરવાની જરુર નહી પડે.આ પહેલા જે પાંચ વિમાનો આવ્યા હતા તે અબુધાબી ખાતે ફ્યુલ લેવા માટે રોકાયા હતા.

નવેમ્બરમાં 3 વિમાનો મળ્યા બાદ બીજા 3 વિમાનો જાન્યુઆરીમાં, 3 વિમાનો માર્ચમાં અને સાત વિમાનો એપ્રિલ મહિનામાં ભારતને મળી જશે.આ તમામ સિંગલ સિટર લડાકુ વિમાનો છે.જ્યારે સાત બીજા વિમાનો પર ભારતીય વાયુસેનાના પાયલોટ્સ ફ્રાંસમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે.આ ડબલ સિટર લડાકુ વિમાનો છે.

national news indian air force rafale deal