07 May, 2025 12:44 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રફાલ, મિરાજ અને સુખોઈ ગરજશે
ભારતે પાકિસ્તાન સરહદ પર યુદ્ધાભ્યાસ માટે NOTAM એટલે કે નોટિસ ટુ ઍર મિશન સિસ્ટમ જાહેર કરી છે. પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. એને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન ઍર ફોર્સ ૭ અને ૮ મેના દિવસે ભારત-પાકિસ્તાન સરહદના દક્ષિણ ભાગમાં મોટા પ્રમાણમાં હવાઈ હુમલાનો અભ્યાસ કરશે. આ માટે ભારત સરકારે NOTAM જાહેર કર્યું છે જેનો અર્થ એ છે કે તેમણે હવાઈ વિસ્તાર માટે તાલીમ, પરીક્ષણ, યાંત્રિક પ્રવૃત્તિ (જેમ કે મિસાઇલ ટ્રાયલ) કે સુરક્ષાનાં કારણોસર એ ઍરસ્પેસ અસ્થાયીરૂપે રિઝર્વ કરી છે, જેથી અન્ય વિમાનો ત્યાંથી ઊડી ન શકે.
અૅર ફોર્સના અધિકારીના જણાવ્યા મુજબ ‘ભારતીય વાયુસેના બે દિવસ સરહદ પર રણ ક્ષેત્ર અને નજીકના વિસ્તારોમાં યુદ્ધાભ્યાસ હાથ ધરશે. આ દરમ્યાન રફાલ, મિરાજ 2000 અને સુખોઈ-30 સહિતના તમામ ફ્રન્ટલાઇન વિમાનો ભાગ લેશે.’
ઍર મૉક ડ્રિલ દરમ્યાન સરહદ પાસેના ઍરપોર્ટ પરનું સંચાલન થોડા સમય માટે બંધ રાખવામાં આવી શકે છે. જોકે NOTAMની સંપૂર્ણ વિગતો સામે આવ્યા બાદ જ આ મામલે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.
ભારતની મૉક ડ્રિલની જાહેરાત બાદ પાકિસ્તાનના વડા પ્રધાને તાબડતોબ ISI સાથે કરી બેઠક
પહલગામ હુમલા બાદ ભારતની ઍક્શનથી પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. કેન્દ્ર સરકારે આજે ૭ મેએ સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલ કરવાનો નિર્દેશ કર્યો છે. જોકે એના એક દિવસ પહેલાં મંગળવારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) હેડક્વૉર્ટરમાં બેઠક કરી હતી. એ દરમ્યાન તમામ અધિકારીઓએ તેમને ભારત સાથેના તનાવમાં સંભવિત પારંપરિક જોખમ અને દેશની તૈયારી વિશે ખાસ માહિતી આપી હતી.