મે મહિનાના અંત સુધીમાં ભારતને ચાર રફાલ જેટ મળી જશે : રાજનાથ સિંહ

09 March, 2020 10:01 AM IST  |  Mumbai Desk

મે મહિનાના અંત સુધીમાં ભારતને ચાર રફાલ જેટ મળી જશે : રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે મે મહિનાના અંતિમ સપ્તાહમાં ચાર રફાલ ફાઇટર જેટ ભારત પહોંચી જશે. ત્યાર બાદ પ્રત્યેક દોઢ મહિને એક જેટ મળશે. ભારતે ફ્રાન્સથી ૩૬ રફાલ લડાકુ વિમાન ખરીદ્યાં છે. શનિવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંરક્ષણપ્રધાને કાશ્મીર અને ચીનને લઈ સ્થિતિ સામાન્ય બની હોવાનો દાવો કર્યો હતો. સીએએને લઈ તેમણે કહ્યું કે આ કાયદો કોઈ ભારતીયને અસર કરતો નથી. રાજનાથે કહ્યું, કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે અને વર્તમાન પરિસ્થિતિમાં ભારત એના ઉત્તરી પાડોશી (ચીન)ને લઈ કોઈ જોખમ ધરાવતો નથી. જોકે ભારત અને ચીન વચ્ચે સીમાને લઈ વૈચારિક મતભેદ છે, પણ આપણા સંબંધોમાં સુધારો થયો છે. લોકોએ ડોકલામમાં પણ જોયું છે કે આપણે ક્યાંય નબળા નથી. સંરક્ષણપ્રધાને ગયા વર્ષે દશેરા (૮ ઑક્ટોબર૨૦૧૯)ના રોજ ફ્રાન્સના મેરિનેક ઍરબેઝ પર પ્રથમ રફાલની ડિલિવરી લીધી હતી. તેમણે રફાલમાં ૩૫ મિનિટ સુધી ઉડ્ડાન ભરી હતી.

સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે વર્ષ ૨૦૨૪ સુધી દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચાડવા માટે સંરક્ષણ ઉત્પાદનને વધારવામાં આવશે.અત્યાર સુધી ભારતનું અર્થતંત્ર ૨.૮ ટ્રિલ્યન ડૉલર છે. મૅન્ચુફૅક્ચરિંગ ક્ષેત્રમાં ૨૦૨૫ સુધી એક ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચવાની ક્ષમતા છે. આ માટે સરકાર અર્થતંત્ર અને માનવમૂડીને વધારવા માટે મેક ઇન ઇન્ડિયા જેવા કાર્યક્રમ ચલાવી રહી છે. વર્ષ ૨૦૨૫ સુધી ઍરસ્પેસ અને સંરક્ષણ ઉત્પાદનોના ક્ષેત્રમાં ૨૬ અબજ ડૉલરના કારોબારનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

national news rajnath singh