પાકિસ્તાન પર મિસાઈલ હુમલો કરવા તૈયાર હતુ ભારત

17 March, 2019 07:55 PM IST  | 

પાકિસ્તાન પર મિસાઈલ હુમલો કરવા તૈયાર હતુ ભારત

ભારત પાકિસ્તાન પર છોડવાનું હતું 6 મિસાઇલ

14 ફેબ્રુઆરી 2019ના રોજ જૈશના આતંકીઓએ પુલવામામાં હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચે માહોલ તંગ બની ગયા છે. આતંકી હુમલાના 14 દિવસ બાદ ભારતે પણ પાકિસ્તાન પર વળતો હુમલો કર્યો હતો અને PoK સ્થિત આતંકવાદી સંગઠન જૈશેના ઠેકાણાને તબાહ કરી દીધું હતું. ત્યારથી આજ સુધી બંને દેશ વચ્ચે માહોલ તંગ બની ગયો છે. પરંતુ ત્યાર બાદ એક એવી માહિતી સામે આવી છે કે તમે જાણીને ચોકી ઉઠશો. રોયટર્સના જણાવ્યા અનુસાર ભારત એરસ્ટ્રાઈક બાદ એક સમયે પાકિસ્તાન પર મિસાઈલ હુમલો કરવા તૈયાર હતું જો કે અમેરિકાના અનુરોધ બાદ ભારતે પાકિસ્તાન પર મિસાઈલ હુમલો કરવાનું ટાળ્યું હતુ.

ભારત પાકિસ્તાન પર 6 મિસાઇલ છોડવાનું હતું

રોયટર્સ અનુસાર વિંગ કમાન્ડર અભિનંદનના પકડાયા બાદ ભારતે પાકિસ્તાનને 6 મિસાઈલ છોડવા ચેતવણી આપી હતી. બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા હાઈવોલ્ટેજ તણાવના કારણે અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો હતો જેના કારણે ભારતે મિસાઈલ અટેક ટાળ્યો હતો. મળતી માહિતી અનુસાર એર સ્ટ્રાઈક માટે 27 ફેબ્રુઆરીએ પાક. સેના દ્વારા સીમાનું ઉલ્લઘંન કરવામાં આવ્યું ત્યારે ભારતે પાકિસ્તાનને સીધા હુમલાની ધમકી આપી હતી. રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર એનએસએ અજીત ડોભાલે પાકિસ્તાન ખાનગી એજન્સીના પ્રમુખ અસીમ મુનાર સાથે વાત કરી હતી અને હુમલાને લઈને કડક વલણ અપનાવ્યું હતું.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ-જોંગ-ઉન સાથે મીટિંગ કરી રહ્યા હતા. જો કે ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને જોતા અમેરિકન રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન અને વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ ભારત સાથે સંપર્ક સાધ્યો હતો. રિપોર્ટ અનુસાર અમેરિકાનો પહેલો પ્રયાસ વિંગ કમાન્ડરને છોડાવવાનો હતો જેના કારણે ભારત પાકિસ્તાન વચ્ચે રહેલા તણાવને ઓછો કરવામાં આવે.