પાકિસ્તાન જો કોઈ ખોટું પગલું ભરશે તો ખતરનાક પરિણામ ભોગવશે : ભારત

16 August, 2025 07:38 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાની નેતૃત્વ તરફથી ભારત માટે બેજવાબદાર, ભડકાઉ અને નફરતભર્યાં નિવેદનો અપાયાં હોવાના રિપોર્ટ્સ અમે જોયા હતા.

રણધીર જાયસવાલ.

પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ અસીમ મુનીર તથા અન્ય નેતાઓ વારંવાર ભારત માટે ભડકાઉ નિવેદનો આપી રહ્યા છે. આ બાબતને ગઈ કાલે એક પત્રકારે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સામે પ્રશ્ન તરીકે મૂકી હતી. એના જવાબમાં પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું હતું કે પાકિસ્તાની નેતૃત્વ તરફથી ભારત માટે બેજવાબદાર, ભડકાઉ અને નફરતભર્યાં નિવેદનો અપાયાં હોવાના રિપોર્ટ્સ અમે જોયા હતા.

પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે વારંવાર ભારતવિરોધી ભાષણબાજી કરવી એ પાકિસ્તાનની આદત છે એમ જણાવીને રણધીર જાયસવાલે એવું પણ કહ્યું હતું કે ‘પાકિસ્તાને પોતાની ભાષણબાજી પર સંયમ રાખવો જોઈએ. જો કોઈ ખોટું પગલું ભર્યું તો એનું ખતરનાક પરિણામ તેમણે ભોગવવું પડી શકે છે. આવું ખતરનાક પરિણામ થોડા સમય પહેલાં જ જોવા મળ્યું હતું.’

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઇન્ડસ વૉટર ટ્રીટી બાબતે પણ કોર્ટની મધ્યસ્થીને નકારી કાઢી હતી.

અમે ભારત સાથે મળીને કામ કરવા તૈયાર : ચીન

અમેરિકા સાથેના સંબંધોમાં આવેલા ઘર્ષણ અને ટૅરિફ-વિવાદ વચ્ચે ભારત અને ચીને પરસ્પર સંબંધો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતના  વિદેશપ્રધાન અત્યારે ચીન પહોંચ્યા છે અને ચીનના વિદેશપ્રધાન આવનારા દિવસોમાં ભારત આવવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ચીનના પ્રવાસે જવાના છે. આ દરમ્યાન ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘ચીન અને ભારત અનેક સ્તરે સંવાદમાં છે. ચીન ભારત સાથે મળીને તમામ મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા માટે અને ભારત સાથે મળીને કામ કરવા તૈયાર છે. બન્ને દેશ વચ્ચેના સંબંધોને પણ નિરંતર સુદૃઢ કરવા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ચીન પ્રતિબદ્ધ છે.’

india pakistan ind pak tension ministry of external affairs indian government indus waters treaty national news news