દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે : હવામાન વિભાગની આગાહી

16 April, 2020 07:12 AM IST  |  New Delhi | Agencies

દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે : હવામાન વિભાગની આગાહી

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના ફેલાવાને કારણે છેલ્લા એક મહિનાથી હેરાન-પરેશાન થઈ રહેલા ભારતવાસીઓ માટે રાહતના સમાચાર છે કે આ વર્ષે નૈઋત્યનું ચોમાસું નોર્મલ રહેશે એવી ભારતીય હવામાન વિભાગે આજે આગાહી કરી છે.

કેન્દ્રના અર્થ સાયન્સીસ મંત્રાલયના સચિવ માધવન રાજીવને અહીં પત્રકારોને કહ્યું હતું કે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. સમગ્ર ચોમાસાની દૃષ્ટિએ વરસાદનું પ્રમાણ ૧૦૦ ટકા રહેશે, પાંચ ટકા વધઘટની શક્યતા રહી શકે.

કેન્દ્ર સરકાર હસ્તકના ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે દેશમાં ચોમાસું સરેરાશ અથવા સામાન્ય રહેશે અને કુલ વરસાદ ૯૬-૧૦૪ ટકા જેટલો પડશે. ચાર મહિનાની ચોમાસાની મોસમનો આરંભ જૂન મહિનાથી થશે.

ચાર મહિનાનું ચોમાસું ૧ જૂનથી શરૂ થશે અને ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલશે. ૧ જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે અને તે બાદમાં ધીમે ધીમે આખા દેશમાં આગળ વધતું હોય છે.

ગયા વર્ષે ચોમાસું સફળ રહ્યું હતું અને વરસાદ ખૂબ પડ્યો હતો. ૧૯૯૪ની સાલ બાદ છેલ્લાં ૨૫ વર્ષમાં સૌથી વધારે વરસાદ ગયા વર્ષે પડ્યો હતો. ગયા વર્ષનું ચોમાસું નોર્મલથી વધારે રહ્યું હતું.

ભારતનું અર્થતંત્ર ૫૦ ટકાથી વધારે ખેતીવાડી પર નિર્ભર રહેતું હોવાથી ચોમાસું સારું જાય એ ખૂબ જરૂરી હોય છે.

mumbai monsoon new delhi national news