01 May, 2025 12:36 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ સર્જાયેલી છે ત્યારે હવે ભારતે પાકિસ્તાન માટે પોતાની આગામી ૨૩ મે સુધી ઍરસ્પેસ બંધ કરી છે જેથી હવે પાકિસ્તાનની ફ્લાઇટ્સ ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી નહીં જઈ શકે. આ નિર્ણય પછી પાકિસ્તાની ઍરલાઇન્સને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો સુધી પહોંચવા માટે ચીન અને શ્રીલંકા થઈને જવું પડશે. જોકે પાકિસ્તાની ઍરલાઇન્સ પહેલાંથી જ ભારત તરફથી કોઈ કાર્યવાહીના ડરથી ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાનું ટાળી રહી છે. આ પહેલાં પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું.
ભારત સાથે તનાવ વધતાં પાકિસ્તાને PoK ઉપરની તમામ ફ્લાઇટ્સ રદ કરી
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત જવાબી કાર્યવાહીની તૈયારીમાં છે. આ વચ્ચે પાકિસ્તાનની નૅશનલ ઍરલાઇને બુધવારે સુરક્ષાનાં કારણોસર ગિલગિટ, સ્કાર્દુ અને પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીર (PoK)ના અન્ય ઉત્તરીય વિસ્તારો માટે તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સે કરાચી અને લાહોરથી સ્કાર્દુ સુધીની બે ફ્લાઇટ્સ રદ કરી છે. પાકિસ્તાની અધિકારીઓએ તમામ ઍરપોર્ટને હાઈ અલર્ટ હેઠળ પણ રાખ્યાં છે. આ સાથે સુરક્ષા અને દેખરેખ પ્રોટોકૉલમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
શ્રીનગરમાં પોલીસ ખડેપગે
પહલગામના આતંકવાદી અટૅકને પગલે કાશ્મીરમાં તંગદિલી છે ત્યારે ગઈ કાલે શ્રીનગરના લાલ ચોકમાં પોલીસનો ચુસ્ત પહેરો જોવા મળ્યો હતો.