દેશ કોરોના સામેનો જંગ જીતીને જ રહેશે : નરેન્દ્ર મોદીનો દૃઢ વિશ્વાસ

31 May, 2020 03:26 PM IST  |  New Delhi | Agencies

દેશ કોરોના સામેનો જંગ જીતીને જ રહેશે : નરેન્દ્ર મોદીનો દૃઢ વિશ્વાસ

નરેન્દ્ર મોદી

કોરોનાથી આખો દેશ લાંબો જંગ લડી રહ્યો છે. આ બધા વચ્ચે ૨૯ મેએ મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂરું થયું. પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લખેલા પત્રમાં કોરોના વિરુદ્ધની લડાઈમાં એકજૂથતા અને દૃઢ નિશ્ચયનાં જોરદાર વખાણ કર્યાં છે. પીએમે પત્રમાં લખ્યું છે કે અત્યંત કષ્ટ ઉઠાવવા છતાં દેશવાસીઓના મહાન પ્રયાસથી એ સુનિશ્ચિત થયું કે અસુવિધા એક તબાહીમાં બદલાઈ ન જાય.

પીએમ મોદીએ લખ્યું કે ‘તમે સાબિત કર્યું છે કે ભારતીયોની સામૂહિક શક્તિ અને તાકાત વિશ્વના અન્ય શક્તિશાળી અને સમૃદ્ધ દેશો કરતાં ઘણી આગળ છે. આટલા મોટા સંકટ સમયમાં એવો બિલકુલ દાવો કરી શકાય નહીં કે કોઈને અસુવિધા કે પરેશાની ન થઈ હોય. નાના ઉદ્યોગોમાં કામ કરતા આપણા કામદારો, પ્રવાસી મજૂરો, મિસ્ત્રી અને કામદારોની સાથે જ હૉકર્સ અને અન્ય દેશવાસીઓને અસાધારણ વેદના સહન કરવી પડી છે.’

પીએમ મોદીએ તેમની સરકારની કામગીરીની વિસ્તૃત માહિતી પણ આપી છે. તેમણે કહ્યું કે ‘રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવેલાં ઐતિહાસિક પગલાં અને નિર્ણયો વિશે આ પત્રમાં માહિતી આપવી બહુ વધારે થશે, પરંતુ હું એ ચોક્કસ કહી શકું છું કે આ વર્ષના દરેક દિવસે મારી સરકારે ૨૪ કલાક પૂરી તાકાત અને જોશની સાથે નિર્ણયોને લાગુ કર્યા છે.

પીએમ મોદીએ સર્જિકલ અને ઍરસ્ટ્રાઇક જેવી પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે સુપ્રીમ કોર્ટના રામમંદિર અને નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમે કહ્યું કે રામમંદિર વિશેના સર્વાનુમતે લેવાયેલા ચુકાદાને લીધે સદીઓથી ચાલી રહેલી ચર્ચાનું સૌહાર્દપૂર્ણ સમાપન થયું છે. ટ્રિપલ તલાકને બર્બર પ્રથા ગણાવી પીએમે એમ પણ કહ્યું કે ગયા વર્ષે એ ગેરકાયદે હતું. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની જોગવાઈઓને હટાવવા વિશે પત્રમાં કહ્યું કે ‘આનાથી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના મજબૂત થઈ છે.’

કોરોના વિરુદ્ધ ભારતના જંગનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું કે એક બાજુ જ્યાં મોટાં આર્થિક સંસાધનો અને કાર્યક્ષમ હેલ્થકૅર સિસ્ટમવાળી તાકાતો હતી, તો બીજી તરફ આપણા દેશમાં મોટી વસ્તી અને મર્યાદિત સંસાધનની મુશ્કેલીઓ હતી. ઘણા બધા લોકોને ડર હતો કે એક વખત કોરોનાની ઝપટમાં આવ્યા બાદ ભારત દુનિયા માટે સમસ્યા બની જશે, પરંતુ તમે દુનિયાની આ વિચારસરણીને બદલી નાખી.

ભારત અર્થવ્યવસ્થામાં પણ વિશ્વને આશ્ચર્યચકિત કરશે

દુનિયાભરમાં અર્થવ્યવસ્થા પર ચાલી રહેલી ચર્ચા વિશે વડા પ્રધાને કહ્યું કે ‘મને વિશ્વાસ છે કે અર્થતંત્ર કોરોનાથી કેવી રીતે બહાર નીકળશે. એ માટે ભારત એક ઉદાહરણ બનશે. અર્થતંત્રના ક્ષેત્રે ૧૩૦ કરોડ ભારતીયો માત્ર વિશ્વને આશ્ચર્યચકિત જ કરશે નહીં પરંતુ તે એક પ્રેરણા પણ બનશે. અત્યારે સૌથી મોટી જરૂરિયાત આત્મનિર્ભર બનવાનું છે. આ દિશામાં તાજેતરમાં આપવામાં આવેલું ૨૦ લાખ કરોડનું આર્થિક પૅકેજ એક મોટું પગલું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૬ વર્ષમાં ઘણી ઐતિહાસિક ભૂલો સુધારી : અમિત શાહ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના બીજા કાર્યકાળને આજે એક વર્ષ પૂરું થયું છે. આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહે ઘણી ટ્વીટ કરી છે. પોતાની આ ટ્વીટમાં તેમણે વિપક્ષી પાર્ટી કૉન્ગ્રેસ પર નિશાન પણ સાધ્યું છે. ગૃહપ્રધાને ટ્વીટ કર્યું કે મોદીજીએ આ ૬ વર્ષના કાર્યકાળમાં માત્ર ઘણી ઐતિહાસિક ભૂલોને સુધારી છે એટલું જ નહીં, પરંતુ ૬ દસકાની ખાઈને પાટા પર લાવીને વિકાસપથ પર અગ્રેસર એક આત્મનિર્ભર ભારતનો પાયો પણ નાખ્યો છે. આ ૬ વર્ષનો કાર્યકાળ ગરીબ કલ્યાણ તેમ જ રિફૉર્મને સમાંતર સમન્વયનું એક અભૂતપૂર્વ ઉદાહરણ છે. આ ૬ વર્ષની ભૂલોને સુધારવાની વાત શાહે સરકારના અમુક એવા નિર્ણયોના સંદર્ભમાં કહી જેવા કે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ ૩૭૦ હટાવવી, નવો નાગરિકતા કાયદો લાવવો. તેમણે કહ્યું કે ઐતિહાસિક ઉપલબ્ધિઓથી પરિપૂર્ણ મોદી ૨.૦ના એક વર્ષના સફળ કાર્યકાળમાં ભારત આવું જ નિરંતર પ્રગતિશીલ રહેશે.

national news new delhi coronavirus covid19 lockdown