ઓડિશાના બાલેશ્વરમાં અગ્નિ ૪ મિસાઇલનું સફળ પરીક્ષણ

24 December, 2018 09:38 PM IST  | 

ઓડિશાના બાલેશ્વરમાં અગ્નિ ૪ મિસાઇલનું સફળ પરીક્ષણ

અગ્નિ 4નું સફળ પરીક્ષણ થયું

ભારતના ઓડિશાના દરિયાકિનારાના બાલેશ્વર પાસેના ટાપુ પરથી પરમાણુ શસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતા લાંબા અંતર સુધી પ્રહાર કરનારા બૅલિસ્ટિક મિસાઇલ અગ્નિ ૪નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ૪૦૦૦ કિલોમીટર દૂરનાં લક્ષ્યો પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતા મિસાઇલનું પ્રાયોગિક પરીક્ષણ ડૉ. અબ્દુલ કલામ આઇલૅન્ડસ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ-રેન્જના લૉન્ચ-પૅડ નંબર ૪ પરથી ગઈ કાલે સવારે ૮.૩૫ વાગ્યે કરવામાં આવ્યું હતું.

પરીક્ષણ કરનારા વિજ્ઞાનીઓએ મિશનના બધા ટાર્ગેટ્સ પૂરા થયા હોવાનો દાવો કર્યો હતો. તમામ રડાર, ટ્રૅકિંગ-સિસ્ટમ અને રેન્જ-સ્ટેશન્સે મિસાઇલના ફ્લાઇટ પર્ફોર્મન્સ પર નિગરાની રાખી હતી. મિસાઇલને મોબાઇલ લૉન્ચર દ્વારા ટેક-ઑફ કરાવવામાં આવ્યું હતું. અગ્નિ ૪ બૅલિસ્ટિક મિસાઇલનું આ સાતમું પરીક્ષણ હતું. અગાઉ આ વર્ષની બીજી જાન્યુઆરીએ એ જ સ્થળેથી ભારતીય લશ્કરે અગ્નિ ૪નું પરીક્ષણ કર્યું હતું. એ પહેલાં ૨૦૧૭ની ૨૬ ડિસેમ્બરે પરમાણુ શસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતા બૅલિસ્ટિક મિસાઇલ અગ્નિ ૫નું પરીક્ષણ સફળતાથી પાર પાડવામાં આવ્યું હતું. અગ્નિ ૫ની ૫૦૦૦ કિલોમીટરની રેન્જ છેક ચીનનાં લક્ષ્યો સુધી પ્રહાર કરવાને સક્ષમ છે.