દેહરાદૂનથી મસૂરી માત્ર ૧૫ મિનિટમાં, ભારતનો સૌથી લાંબો પૅસેન્જર રોપવે ૨૦૨૬ના સપ્ટેમ્બરમાં શરૂ થશે

18 May, 2025 08:21 AM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

રોપવેનો ગોંડોલા સંપૂર્ણપણે વૉટરપ્રૂફ હશે અને આખા વર્ષ દરમ્યાન એટલે કે દરેક ઋતુમાં મુસાફરો માટે ખુલ્લો રહેશે.

રોપવે

ઉત્તરાખંડમાં દેહરાદૂન અને મસૂરી વચ્ચે મુસાફરીને સરળ અને ઝડપી બનાવવા માટે રોપવે પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. હાલમાં આ માર્ગ પર ટ્રૅફિક-જૅમની સમસ્યા રહે છે, પણ એક વાર આ રોપવે શરૂ થઈ જાય પછી માત્ર ૧૫ મિનિટમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકાશે. રોપવે સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.

આ મોનોકેબલ રોપવે ભારતનો સૌથી લાંબો પૅસેન્જર રોપવે રહેશે જે પર્યાવરણને અનુકૂળ છે. રોપવેનો ગોંડોલા સંપૂર્ણપણે વૉટરપ્રૂફ હશે અને આખા વર્ષ દરમ્યાન એટલે કે દરેક ઋતુમાં મુસાફરો માટે ખુલ્લો રહેશે.

દેહરાદૂનથી મસૂરી સુધીના રસ્તાની લંબાઈ લગભગ ૩૪ કિલોમીટર છે અને આ સાંકડા અને વળાંકવાળા માર્ગને પૂરો કરવામાં લગભગ બે કલાક લાગે છે; પરંતુ રોપવે પ્રોજેક્ટ પૂરો થયા પછી મુસાફરીનો સમય ઘટીને માત્ર ૧૫ મિનિટ થઈ જશે, જ્યારે અંતર પણ લગભગ પાંચ કિલોમીટર થશે. આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આશરે ૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

uttarakhand dehradun travel travel news news national news