05 April, 2025 06:56 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
બાબા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
મધ્ય પ્રદેશના બાગેશ્વરધામમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બાબા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ બુધવારે છતરપુરના ગઢા ગામની આધારશિલા રાખી હતી. ગામના સપનાને સાકાર કરવા માટે બાગેશ્વર ધામમાં જ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કર્યું હતું. આ ગામ બે વર્ષમાં તૈયાર થઈ જશે. બાગેશ્વર ધામમાં જ ૧૦૦૦ હિન્દુ પરિવારો વસશે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ અવસર પર કન્યાપૂજન કરીને આધારશિલા રાખી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘હિન્દુ રાષ્ટ્રનું સપનું હિન્દુ ઘરથી જ શરૂ થાય છે. હિન્દુ પરિવાર, હિન્દુ સમાજ, હિન્દુ ગામ, હિન્દુ તાલુકો, હિન્દુ જિલ્લો અને હિન્દુ રાજ્યનું નિર્માણ થશે તો જ હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ થશે. હાલ ધામમાં જ ૧૦૦૦ પરિવારોનું આ ગામ તૈયાર કરાવવામાં આવી રહ્યું છે.’
ધીરેન્દ્ર શાસ્ત્રી હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પનાને લઈને સતત કાર્ય કરી રહ્યા છે.
તેમણે હિન્દુ રાષ્ટ્રધ્વજ જાહેર કર્યા બાદ હવે ભારતનું હિન્દુ ગામ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની આ નવી ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ સાંસ્કૃતિક ચિંતાનો જ નહીં, ભવિષ્યમાં સનાતન ધર્મના લોકોને એક અને આત્મવિશ્વાસી બનાવવાનો પણ છે.