સેલ્ફી લઈને ખબર પડશે બ્લડ-પ્રેશર અને હાર્ટ-રેટ

23 May, 2025 07:56 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

સોય ભોંકીને લોહી કાઢ્યા વિના જ લોહીનું પરીક્ષણ કરે એવી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત બ્લડ-ટેસ્ટ આવી ગઈ છે

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત બ્લડ-ટેસ્ટ આવી ગઈ છે

હૈદરાબાદની નીલોફર હૉસ્પિટલમાં એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સંચાલિત ટૂલ લૉન્ચ થયું છે જે એક જ મિનિટની અંદર સોયથી લોહી કાઢ્યા વિના લોહીનું પરીક્ષણ કરી શકે છે. ભારતમાં આવી ટેક્નિક પહેલી વાર લૉન્ચ થઈ છે. આ ટૂલ વીસથી ૬૦ સેકન્ડમાં ફેસ-સ્કૅનિંગ કરીને બ્લડ-પ્રેશરથી માંડીને ઑક્સિજન સૅચ્યુરેશન અને સ્ટ્રેસ હૉર્મોન લેવલ સુધ્ધાં માપી કાઢે છે. પબ્લિક હેલ્થની સુવિધામાં આ ટેક્નિક ગેમ-ચેન્જર બની શકે છે.

ક્વિક વાઇટલ્સ નામના હેલ્થ-ટેક સ્ટાર્ટઅપે અમૃત સ્વસ્થ ભારત નામનું ટૂલ અને ઍપ તૈયાર કર્યાં છે જે ફેસ-સ્કૅનિંગ કરીને નિદાન કરે છે. સામાન્ય રીતે લોહીની ટેસ્ટ માટે સોય ભોંકીને લોહી કાઢવું પડે છે, પરંતુ અમૃત સ્વસ્થ ભારત ટૂલ ફોટોપ્લેથિસ્મોગ્રાફી તરીકે જાણીતી ટેક્નૉલૉજી વાપરે છે. એમાં ત્વચાની અંદર પ્રકાશનું શોષણ અને પરાવર્તન જે રીતે થાય છે એના પરથી આકલન કરવામાં આવે છે. આ પદ્ધતિમાં બ્લડ-પ્રેશર, ઑક્સિજનની માત્રા, હાર્ટ-રેટ, શ્વસન-રેટ, હાર્ટ-રેટમાં વેરિએબિલિટી, હીમોગ્લોબિન, સ્ટ્રેસ-લેવલ, પલ્સ રેસ્પિરેટરી ક્વૉશન્ટ, નર્વ્સ સિસ્ટમની ગતિવિધિઓ માપી શકાય છે. સ્માર્ટફોન કે ટૅબ્લેટના કૅમેરાનો ઉપયોગ કરીને આ ટેસ્ટ થઈ શકે છે અને એ સેલ્ફી લેવા જેટલું આસાન છે.

hyderabad technology news tech news medical information ai artificial intelligence national news news health tips